ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે. રાજ્યભરમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ગઈ કાલે 23
જૂનથી 24 જૂન સુધીમાં 24 કલાકમાં 31 જિલ્લામાં 170 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. આ
સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં 21.15% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે સુરતમાં ભારે વરસાદથી
તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
24 જૂન, 2025ના રોજ રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના બારડોલીમાં 167 મીમી નોંધાયો,
જ્યારે પાલસાણામાં 208 મીમી અને સુરત શહેરમાં 346 મીમી વરસાદ થયો, જે રાજ્યનું સૌથી ઊંચું
પ્રમાણ છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં નહિવત
વરસાદ નોંધાયો. રાજ્યના કુલ 33 જિલ્લાઓમાંથી 31 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો, જેમાં દક્ષિણ
ગુજરાતના જિલ્લાઓમાં સરેરાશ 71.3 મીમી વરસાદ નોંધાયો, જે રાજ્યમાં સૌથી વધુ છે. દક્ષિણ
ગુજરાતમાં સરેરાશ 308.5 મીમી વરસાદ થયો, જે 20.71% છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 196.1 મીમી વરસાદ
નોંધાયો, જે 26.23% છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ 162.94 મીમી વરસાદ થયો. કચ્છ અને ઉત્તર
ગુજરાતમાં અનુક્રમે 104.6 મીમી અને 107.08 મીમી વરસાદ નોંધાયો, જે સૌથી ઓછો છે. રાજ્યની
સરેરાશ 882 મીમીની સામે 186.51 મીમી વરસાદ થયો, જે 21.15% છે. આ સાથે આજે પણ હવામાન
વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે