અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ ખાલિસ્તાની આતંકી નેટવર્ક સાથે જોડાયેલા 8 લોકોની ધરપકડ કરી છે. જેમાં પ્રતિબંધિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના મુખ્ય સદસ્ય અને ભારતમાં વોન્ટેડ પવિત્તર સિંહ બટાલાનો સમાવેશ થાય છે. સાન જોક્વિન કાઉન્ટી શેરિફ ઓફિસે ‘X’ પર એક પોસ્ટમાં ધરપકડ કરાયેલા લોકોના નામ જાહેર કર્યા હતા, જેમાં દિલપ્રીત સિંહ, અર્શપ્રીત સિંહ, અમૃતપાલ સિંહ, પવિત્તર સિંહ બટાલા, ગુરતાજ સિંહ, મનપ્રીત રંધાવા, સરબજીત સિંહ અને એક આરોપીનું નામ જાહેર કરાયું નથી.
FBIએ આતંકીઓ પાસેથી હથિયારો અને રોકડ રકમ જપ્ત કરી
ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) આ આતંકીઓ સામે તપાસ અને દરોડા કાર્યવાહી કરી રહી હતી, ત્યારે તેણે મોટી માત્રામાં હથિયારો અને રોકડ રકમ પણ જપ્ત કરી હતી. FBI અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘આ આતંકી સંગઠન સામે ઘણા ગંભીર ગુનાહિત આરોપો નોંધાયા છે, જેમાં અપહરણ, ટોર્ચર, ગેરકાયદે અટકાયત, કાવતરું, સાક્ષીઓને ડરાવવા અને સેમી ઓટોમેટિક હથિયારોથી હુમલો કરવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.