બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ દ્વારા ઇસ્લામિક શાસન લાગુ કરવાના પ્રયાસો વધી રહ્યા છે. એવામાં ઇસ્લામિક
શાસનની તરફેણ કરતી દેશની સૌથી મોટી ઇસ્લામિક પાર્ટી જમાત-એ-ઇસ્લામીએ ઢાકામાં પોતાની પ્રથમ
વિશાળ રેલી યોજી હતી. પાકિસ્તાન સમર્થક આ પાર્ટીએ બાંગ્લાદેશમાં પોતાની તાકાત દેખાડવાનો
પ્રયાસ કર્યો હતો. તેની સાથે હિઝ્બ ઉત-તહરીર, વિલાયાહ બાંગ્લાદેશ, અંસાર અલ-ઇસ્લામ જેવા કટ્ટર
ધાર્મિક સંગઠનો પણ એકઠા થયા હતા અને ખુલ્લેઆમ જેહાદ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન લાગુ કરવાના ઇરાદાથી કટ્ટરવાદી સંગઠનો, પક્ષો સક્રિય થઇ ગયા છે
અને લોકોને ઉશ્કેરવા લાગ્યા છે. રાજધાની ઢાકામાં જમાત-એ-ઇસ્લામી સહિતના ઇસ્લામિક પક્ષો,
સંગઠનો એકઠા થયા હતા. આ રેલીમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મંચ પરથી
જમાત-એ-ઇસ્લામીના અધ્યક્ષ અમીર શફીકુર્રહમાને લોકોને હિંસાનો રસ્તો અપનાવવા ઉશ્કેર્યા હતા.
બાંગ્લાદેશ મુક્તિ આંદોલનનો આ કટ્ટરવાદી પાર્ટીએ વિરોધ કર્યો હતો અને પાકિસ્તાની સૈન્યની સાથે
મળીને બાંગ્લાદેશીઓની હત્યામાં જોડાઇ હતી.શેખ હસીનાએ આ પાર્ટી પર પ્રતિબંધ મુક્યો હતો જેને
હાલની વચગાળાની મોહમ્મદ યુનુસ સરકારે હટાવી લીધો હતો. હવે જમાત-એ-ઇસ્લામી અને તેના
સમર્થકો ખુલ્લેઆમ આતંકવાદનો રસ્તો અપનાવવા લોકોને ઉશ્કેરી રહ્યા છે.