શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ટૂંક સમયમાં ભરતી રદનો નિર્ણય સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. નિવૃત શિક્ષકોની ભરતીના નિર્ણયની ચારેકોર ટીકા થઈ રહી છે. શિક્ષક સંઘોએ નિવૃત શિક્ષકોની ભરતીનો આક્રમક વિરોધ કર્યો છે. શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધી વાત પહોંચતા ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.
પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવા માટે નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો અને તેનો પરિપત્ર પણ જાહેર કરાયો હતો. જો કે આ પરિપત્રનો વિરોધ થઇ રહ્યો છે. શિક્ષકોના બંને સંગઠનોએ આ નિર્ણયની ટીકા કરી તો શિક્ષણશાસ્ત્રીઓએ વિભાગના આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે ત્યારે આ નિર્ણય રદ કરવાની શિક્ષણવિભાગને ફરજ પડે તેવા સંકેત મળી રહ્યા છે.કારણ કે અનેક યુવકો સરકારી નોકરીની શોધમાં છે. ખાસ કરીને ટેટ-ટાટ પાસ યુવકોને પણ વય મર્યાદાના કારણે નોકરી મળતી નથી ત્યારે નિવૃત થઈ ચૂકેલા શિક્ષકોને જરુર પડે તો ભરતી કરવાના નિર્ણયથી નારાજગી વધી રહી છે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા તમામના અભિપ્રાય અગાઉ અને પરિપત્ર જાહેર થયા બાદ પણ સ્પષ્ટ છે ત્યારે આ મુદ્દાને શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધો છે. નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ્દ કરી ભરતીના નિયમોમાં જરુર પ્રમાણે છૂટછાટ આપવા મુદ્દે સરકારમાં વિચારણા ચાલતી હોવાની જાણકારી મળી છે. જો કે નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવાનો નિર્ણય ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર થાય તેવું જાણકારો કહી રહ્યા છે. શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખી રજૂઆત કરી છે કે, નિવૃત્ત શિક્ષકના સ્થાને બેરોજગાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે. 2011 પછી કાયમી શિક્ષકોની ભરતી થઈ જ નથી અને સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકો અને જ્ઞાન સહાયકો ભરતી કરવામાં આવે છે. પરંતુ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી.