સંસદના ચોમાસુ સત્રમાં ‘ઓપરેશન સિંદૂર’ પર લોકસભામાં ચાલેલી ચર્ચા દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના આકરા આરોપોનો મજબૂત જવાબ આપ્યો. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાઓ અને સેનાના હાથ બાંધવાના આક્ષેપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા. PM મોદીએ કોંગ્રેસ પર ‘એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરવા’ અને ‘દેશની જીતને મજાક ન બનાવવાની’ અપીલ કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘ઓપરેશન સિંદૂર’ એ સાબિત કર્યું છે કે આતંકવાદી હુમલાઓની કિંમત હવે માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ તેના માસ્ટરમાઇન્ડ્સ અને પાકિસ્તાનને પણ ચૂકવવી પડશે. PM મોદીએ કહ્યું કે ભારતે છેલ્લા 10 વર્ષમાં આત્મનિર્ભરતા દ્વારા ટેકનોલોજીકલ યુદ્ધ માટે તૈયારી કરી છે, જેના કારણે ‘મેડ ઇન ઇન્ડિયા’ મિસાઇલોએ પાકિસ્તાનના શસ્ત્રોનો પર્દાફાશ કર્યો છે. તેમણે મે 6 ની રાત્રે અને મે 7 ની સવારે થયેલા વળતા હુમલાનો ઉલ્લેખ કર્યો અને સ્પષ્ટ કર્યું કે ભારતે પાકિસ્તાનના પરમાણુ બ્લેકમેલિંગને પણ નિષ્ફળ બનાવ્યું છે.
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર સીધો પ્રહાર કરતા કહ્યું, “હું મારા કોંગ્રેસ સાથીઓને વિનંતી કરું છું કે એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરે. જે ક્ષણ દેશની જીત છે, કોંગ્રેસે તેને મજાકનો ક્ષણ ન બનાવવો જોઈએ. કોંગ્રેસે પોતાની ભૂલ સુધારવી જોઈએ.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ચર્ચા થવી જોઈએ, પણ એવી રીતે કે દુશ્મન ગભરાઈ જાય. “ફક્ત ધ્યાનમાં રાખો કે સિંદૂરનું સન્માન અને સેનાનું સન્માન પ્રશ્નોમાં પણ અડગ રહેવું જોઈએ. જો ભારત માતા પર હુમલો થાય છે, તો ઉગ્ર હુમલો કરવો પડશે. દુશ્મન જ્યાં પણ હોય, આપણે ભારત માટે જીવવું પડશે.વડાપ્રધાને કહ્યું કે, હવે ભારત આતંકવાદી હુમલાઓનો પોતાની રીતે જવાબ આપે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ‘મેડ ઇન ઇન્ડિયા’ ડ્રોન અને મિસાઇલોએ પાકિસ્તાનના શસ્ત્રોનું સત્ય ઉજાગર કરી દીધું છે. “હવે આતંકવાદના માસ્ટર અને તેમના આશ્રયદાતા વચ્ચે કોઈ ફરક રહેશે નહીં.