રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્ધારા ભારતથી અમેરિકા જતા માલ પર 25 ટકા ટેરિફની જાહેરાત કર્યા પછી ભારત સરકારે અમેરિકન સ્ટીલ્થ ફાઇટર જેટ F-35 ખરીદવાની કોઈપણ યોજનાનો ઇનકાર કર્યો છે. બ્લૂમબર્ગે ભારત સરકારના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.અધિકારીઓએ ગુપ્તતાની શરતે જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકાને કહ્યું છે કે તે નજીકના ભવિષ્યમાં તેની પાસેથી કોઈ મોટી સંરક્ષણ ખરીદી કરશે નહીં, જેમાં AF-35નો પણ સમાવેશ થાય છે. આ અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત શસ્ત્રોના સંયુક્ત વિકાસ, ટેકનોલોજીના ટ્રાન્સફર, ભારતમાં ઉત્પાદન અને સંરક્ષણ ખરીદીમાં સ્વનિર્ભરતા જેવી શરતોને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખશે.
એવું કહેવામાં આવ્યું હતું કે ભારત- અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર આગામી પાંચ વર્ષમાં 500 બિલિયન ડોલર સુધી પહોંચી જશે અને આ માટે અમેરિકા પાસેથી મોટા પ્રમાણમાં સંરક્ષણ ખરીદી કરવામાં આવશે. આ અંતર્ગત ટ્રમ્પે ભારતને F-35 વિમાન વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતે તાજેતરમાં અમેરિકા પાસેથી તેની સંરક્ષણ ખરીદીમાં વધારો કર્યો છે અને તેમાં MH 60R સીહોક હેલિકોપ્ટર અને P-8I મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આમ છતાં ભારતે ભારતમાં ઉત્પાદનની શરત પૂરી ન થાય ત્યાં સુધી અમેરિકા પાસેથી હાઇ-ટેક ખરીદી કરવામાં અનિચ્છા વ્યક્ત કરી છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનામાં જ રશિયાએ તેનું પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ SU-57E ભારતને વેચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ખાસ વાત એ છે કે રશિયાએ ટેકનોલોજી ટ્રાન્સફરની સાથે ભારતમાં તેનું ઉત્પાદન કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. નાસિકમાં હિન્દુસ્તાન એરોનોટિક્સના પ્લાન્ટમાં તેનું ઉત્પાદન કરવાનો પ્રસ્તાવ છે. રશિયાના પ્રસ્તાવ મુજબ, ભારતમાં બનનારા SU-57E ના 60 ટકા પાર્ટ્સ ભારતીય હશે અને આનાથી ભારત આ વિમાનમાં સ્વદેશી રીતે બનાવેલી મિસાઇલો તૈનાત કરી શકશે. આનાથી ભારત તેની જરૂરિયાતો અનુસાર તેમની પ્રહાર ક્ષમતાને અનુકૂળ કરી શકશે.