મધ્યપ્રદેશના જબલપુરમાં એક ઐતિહાસિક શોધ થઈ છે, જે રાજ્યની આર્થિક સ્થિતિને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. ભૂવૈજ્ઞાનિકોની ટીમે સિહોરા તહસીલના મહંગવા કેવલારી વિસ્તારમાં જમીનની અંદર સોનાનો વિશાળ ભંડાર મળી આવ્યો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આ શોધખોળથી જબલપુર દેશના સૌથી સમૃદ્ધ ખનિજ વિસ્તારોમાં સ્થાન મેળવી શકે છે. ઘણા વર્ષોથી ચાલતી શોધ અને નમૂનાઓની તપાસ બાદ આ સફળતા મળી છે, જેનાથી સ્થાનિક લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભૂવિજ્ઞાન અને ખનિજ સંસાધન વિભાગની ટીમે મહંગવા કેવલારી વિસ્તારમાં લાંબા સમયથી સંશોધન કરી રહ્યા હતા. સંશોધનમાં આ વિસ્તારમાં લગભગ 100 હેક્ટરમાં સોનાના ભંડારની હાજરીના પુરાવા મળ્યા છે.રાસાયણિક પરીક્ષણોમાં માટીના નમૂનાઓમાં સોના ઉપરાંત તાંબુ અને અન્ય કીમતી ધાતુઓની હાજરીની પુષ્ટિ થઈ છે. વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ પરીક્ષણોના પરિણામો સ્પષ્ટ છે અને આ શોધ મધ્ય ભારતની સૌથી મહત્વપૂર્ણ ખનિજ શોધોમાંની એક બની શકે છે. આ શોધના પરિણામે જબલપુર ભારતના સૌથી ધનિક ખનિજ વિસ્તારોમાં સામેલ થઈ શકે છે. આ ભંડારથી આ વિસ્તારમાં આર્થિક વિકાસની નવી તકો ખુલશે. નિષ્ણાતોનું માનવું છે કે આ શોધથી ઔદ્યોગિક રોકાણમાં વધારો થશે અને સ્થાનિક અર્થવ્યવસ્થાને નવું બળ મળશે. જબલપુર લાંબા સમયથી લોહ અયસ્ક અને અન્ય ખનિજોના નિકાસ માટે જાણીતું છે. અહીં 42 ખાણો આવેલી છે, જ્યાંથી લોખંડ, મેંગનીઝ, લેટેરાઈટ, ચૂનાનો પથ્થર અને સિલિકા રેતી જેવા ખનિજો નીકળે છે. આ ખનિજોનો મોટો ભાગ ચીન સહિત અન્ય દેશોમાં નિકાસ થાય છે. સોનાના ભંડારની શોધથી આ વિસ્તારમાં ખનનનું માળખું વધુ મજબૂત બનશે, કારણ કે અહીં ખનન માટે જરૂરી સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે.