નેપાળમાં સોમવારે સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે યુવા (Gen-Z રિવોલ્યુશન)નો
દ્વારા કરવામાં આવેલા હિંસક દેખાવોને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. પોલીસ કાર્યવાહીમાં 20
લોકો મોત થયા હતા અને 300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટના વચ્ચે નેપાળના
ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપી દીધું હતું.કાઠમંડુમાં પરિસ્થિતિ હજુ પણ તંગ છે. આજે મંગળવાર
સવારથી જ સંસદ ભવનની બહાર દેખાવકારો વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આજે સવારે
કાઠમંડુમાં કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો હોવા છતાં, રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન,
વડાપ્રધાન નિવાસસ્થાન, સિંહ દરબાર અને સંસદ ભવનની આસપાસ પ્રતિબંધો છે.
બીજી તરફ મંત્રીના નિવાસસ્થાન અને મુખ્ય પક્ષોના કાર્યાલયોની આસપાસ આજે સવારે 7 વાગ્યાથી
બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવેલ.આઈટી મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે કહ્યું હતું કે, ‘નેપાળ
સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો છે અને તે ધીમે ધીમે
પુનઃસ્થાપિત કરવામાં આવશે.કાઠમંડુમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે, નેપાળ સેનાના નિવૃત્ત
કર્નલ માધવ સુંદર ખડગાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘હું છેલ્લા છ મહિનાથી ભ્રષ્ટાચાર
વિરુદ્ધના અભિયાનમાં સક્રિય હતો. મારો પુત્ર ગઈકાલે મારી સાથે હતો પરંતુ બાદમાં તેમનો સંપર્ક તૂટી
ગયો. ઘણી વાર ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળ્યો અને સાંજે ચાર વાગ્યા પછી મોબાઈલ બંધ થઈ
ગયો. તેમણે પોલીસ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો અને રાષ્ટ્રપતિ પાસે વર્તમાન સરકારને
તાત્કાલિક ભંગ કરવાની માંગ કરી.’
નેપાળમાં ચાલી રહેલા આ આંદોલનને લોકો ‘Gen-Z રિવોલ્યુશન’ કહી રહ્યા છે, કારણ કે તેની
આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. સરકારે ફેસબુક, એક્સ (ટ્વિટર), ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ
અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે ગુસ્સે ભરાયેલા
યુવાનોએ તેને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.