અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ટેરિફથી આવક વધશે અને અમેરિકનોને ફાયદો થશે. પરંતુ યેલ યુનિવર્સિટીની બજેટ લેબ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ મુજબ, ટેરિફ વધુ અમેરિકનોને ગરીબીમાં ધકેલી શકે છે.
યેલ યુનિવર્સિટીના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ટ્રમ્પના ટેરિફ વધારાથી 2026 સુધીમાં ગરીબીમાં જીવતા અમેરિકનોની સંખ્યામાં લગભગ 1 મિલિયનનો વધારો થઈ શકે છે. આ અભ્યાસમાં સત્તાવાર ગરીબી માપદંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ટેક્સ પહેલાની આવકના આધારે ગરીબીની ગણતરી કરે છે.અમેરિકાના સેન્સસ બ્યુરોએ અહેવાલ આપ્યો હતો કે ગયા વર્ષના અંતમાં 3.6 કરોડ લોકો ગરીબીમાં જીવી રહ્યા હતા. જીવનનિર્વાહના ખર્ચ સાથે આવકમાં વધારો થતાં ગરીબી દર 0.4 ટકા ઘટીને 10.6 ટકા થયો. યેલ યુનિવર્સિટીની બજેટ લેબને એ પણ જાણવા મળ્યું કે જ્યારે તેણે વધુ વ્યાપક માપ, પૂરક ગરીબી માપદંડનું વિશ્લેષણ કર્યું ત્યારે ગરીબી પણ વધશે. પૂરક ગરીબી માપદંડ ખોરાક, બાળ સંભાળ, તબીબી અને અન્ય ખર્ચાઓને ધ્યાનમાં લે છે. તે અંદાજ લગાવે છે કે 2026માં ગરીબી દર 12થી 12.2% સુધી વધશે.