અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 18 સપ્ટેમ્બર, 2025ના રોજ ‘એન્ટિફા’ને મુખ્ય આતંકવાદી સંગઠન જાહેર
કર્યું છે. આ જાહેરાત તેમણે તેમના નજીકના સહયોગી અને રાજકીય કાર્યકર ચાર્લી કિર્કની હત્યાના થોડા
દિવસો બાદ કરી.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે, ‘મને મારા તમામ અમેરિકન
દેશભક્તોને એ જણાવતા આનંદ થાય છે કે હું ‘ANTIFA’ને એક બિમાર, ખતરનાક અને કટ્ટરપંથી
ડાબેરી આફત માનું છું અને તેથી તેને એક મુખ્ય આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરી રહ્યો છું.’ તેમણે
ચેતવણી આપી હતી કે ‘એન્ટિફા’ને આર્થિક મદદ કરનારાઓ સામે ઉચ્ચ સ્તરીય તપાસ થશે અને કોઈ
પણ દોષિતને છોડવામાં આવશે નહીં.
‘એન્ટિફા’ (એન્ટિ-ફાસિસ્ટ) એ ડાબેરી જૂથોનું એક છૂટુંછવાયું નેટવર્ક છે. વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ
સ્ટાફ સ્ટીફન મિલરે આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે ચાર્લી કિર્કે તેમને મોકલેલા છેલ્લા મેસેજમાં
હિંસા ફેલાવનારા ડાબેરી જૂથો સામે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. મિલરે વચન આપ્યું કે ફેડરલ
સરકાર તેને ખતમ કરવા માટે દરેક ઉપલબ્ધ સાધનનો ઉપયોગ કરશે. અગાઉ, મે 2020માં પણ
ડોનાલ્ડ ટ્રમ્પે ‘એન્ટિફા’ આંદોલનને આતંકવાદી જૂથ જાહેર કરવાની વાત કહી હતી.