રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે અમેરિકાના ટેરિફ અને દબાણની નીતિની આકરી ટીકા કરી છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે ભારત અને ચીન જેવી પ્રાચીન સંસ્કૃતિઓને ધમકીઓ અને અલ્ટીમેટમથી ડરાવી શકાતી નથી. એક મીડિયા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ‘ભારત અને ચીન જેવા દેશો દ્વારા રશિયાનું ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરાવવાની અમેરિકાની માંગની વિપરીત અસર થઈ રહી છે.’
અમેરિકાની ટેરિફ નીતિઓની ટીકા કરતા રશિયાના વિદેશમંત્રી સેર્ગેઈ લાવરોવે કહ્યું કે, ‘રશિયાનું ક્રૂડ ઓઈલ ખરીદી અટકાવવાની અમેરિકાની માંગણીઓ ફક્ત દેશોને નવા ઉર્જા બજારો, નવા સંસાધનો શોધવા અને વધુ ચૂકવણી કરવા માટે મજબૂર કરી રહી છે.’ નોંધનીય છે કે, યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારતની આકરી ટીકા કર્યા બાદ રશિયાના વિદેશમંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે.’ચીન અને ભારત બંને પ્રાચીન સભ્યતાઓ છે’ ભારત અને ચીન સાથે ધમકી ભરી ભાષા વાપરવી અમેરિકાને ભારે પાડી શકે છે તેમ પણ તેમને જણાવ્યું હતું.
ભારત અને ચીન અંગે રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે કહ્યું કે અમેરિકાનું વલણ નૈતિક અને રાજકીય રીતે ખોટું છે. ભારત અને ચીન પ્રાચીન સભ્યતાઓ છે. તેમની સાથે કાં તો મને જે ગમે છે તે કરો અથવા હું ટેરિફ લાદીશ એવી ભાષામાં વાત કરવાથી કામ નહીં ચાલે.’ અમેરિકાના પ્રતિબંધો વિશે સેર્ગેઈ લાવરોવે કહ્યું કે, રશિયા નવા પ્રતિબંધોથી ચિંતિત નથી. મને આ નવા પ્રતિબંધોમાં કોઈ સમસ્યા દેખાતી નથી. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન અમને પહેલાથી જ અનેક પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હતો. અમે ત્યારથી અમારા પાઠ શીખ્યા.’