મંગળવારે સરકારી શટડાઉન નજીક આવી રહ્યું હોવાથી યુએસ સરકાર 1 લાખથી વધુ ફેડરલ કર્મચારીઓ ગુમાવી શકે છે. મહત્વની વાત એ છે કે, જો કોંગ્રેસમાં સમજૂતી ન થાય તો મંગળવારથી 1 લાખથી પણ વધારે ફેડરલ કર્મચારી પોતાની નોકરી ગુમાવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે વિવિધ એજન્સીઓને મોટી છટણી માટે તૈયાર રહેવા માટે પણ કહ્યું છે. નિષ્ણાતો આ સંજોગોને અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટી છટણી ગણાવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2018માં ટ્રમ્પ રાષ્ટ્રપતિપદ પર હતા ત્યારે 35 દિવસ સુધી ચાલેલી શટડાઉનને આજે પણ યાદ કરવામાં આવે છે. આ સમય દરમિયાન આશરે 3,80,000 ફેડરલ કર્મચારીઓને રજા પર મૂકી દેવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ બીજા 4,20,000 કામદારોને પગાર વિના કામ ચાલુ રાખવાની ફરજ પડી હતી. પરંતુ આ વખતે પરિસ્થિતિ તેના કરતા પણ વધારે ગંભીર બની રહી છે. આ બાબતે અત્યારે યુએસમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, શટડાઉન નક્કી જ છે. કારણ કે ડેમોક્રેટ્સ ગાંડા છે. તેનો અર્થ એ છે કે, આ છટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટ્સને જવાબદાર ગણાવી રહ્યાં છે. અમેરિકામાં બુધવારથી નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે ત્યારે સરકારને ભંડોળ પૂરું પાડવા અંગે તમામ પ્રકારના ધારાસભ્યો અત્યાર સુધી કોઈ કરાર પર પહોંચી શક્યા નથી.રાજકીય તાણાવાણ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શટડાઉન માટે ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવ્યા છે. સાથે સાથે પ્રોટેક્ટ ડેમોક્રસી નામના એક વકીલાત સમૂહે ચેતવણી આપી છે કે, આરોગ્ય સંભાળ અને શિક્ષણ માટે કોંગ્રેસ દ્વારા મંજૂર કરાયેલ લગભગ 8 બિલિયન ડોલરનો ઉપયોગ ન થઈ જવાનો ભય છે, જેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ દ્વારા રોકી રાખવામાં આવ્યો છે.





