ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદતું હોવાથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થયા છે, તેમણે
ભારત પર વધારાનો ટેરીફ ઝીંક્યો છે. આ ઉપરાંત તેમણે ભારતને રશિયા સાથે વેપાર ઘટાડવા ચેતવણી
આપી છે. એવામાં અહેવાલ છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
આવી શકે છે, તેમની ભારત મુલાકાતને કારણે ટ્રમ્પ વધુ નારાજ થઇ શકે છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 5-6 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે આવે એવી શક્યાતા છે. આ
સમયગાળા દરમિયાન તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે
વેપાર, ટેરીફ, યુક્રેન યુદ્ધ સહીત અનેક મુદ્દે ચર્ચા થઇ શકે છે.ભારત અને રશિયા વચ્ચેના સંબંધો
દાયકાઓથી સારા રહ્યા છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ બંને દેશો વાચ્ચે તિરાડ પડાવવા ઈચ્છે છે. ટ્રમ્પ રશિયા
અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકીને શ્રેય ખાટવા ઈચ્છે છે. પરંતુ તેઓ સફળ થયા નથી, આથી તેઓ
રશિયા સાથે વેપાર કરનાર દેશો સામે પગલા ભરી રહ્યા છે. ખાસ કરીને રશિયન પેટ્રોલિયમ આયાત
કરતા દેશો પર તેઓ ભારે ટેરીફ ઝીંકી રહ્યા છે, તેમણે ભારત પર વધારાનો 25 ટકા ટેરીફ લાદ્યો છે.
આનાથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે ટ્રમ્પને જવાબ આપતા ભારતે સ્પષ્ટ
કર્યું છે કે ભારત બાહ્ય દબાણ સામે ઝુકશે નહીં અને રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લેશે. ટ્રમ્પની ધમકીઓ છતાં
ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ આયાત કરી રહ્યું છે. તાજેતરમાં ચીનના તિયાનજિનમાં ભારતના
વડાપ્રધાન મોદી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીન રાષ્ટ્રપતિ જીનપીંગ વચ્ચે બેઠક થઇ હતી. જેને
જોઇને ટ્રમ્પને ઝટકો લાગ્યો હતો. હવે રશિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાતથી ટ્રમ્પના પેટમાં તેલ
રેડાઈ શકે છે.
પુતિન પહેલા ઝેલેન્સ્કી ભારતની મુલાકાતે આવશે, પીએમ.મોદીએ આપ્યું આમંત્રણ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવશે. જેની ભારતના રાષ્ટ્રીય સુરક્ષા
સલાહકાર અજીત ડોભાલે પુષ્ટી કરી હતી. પરંતુ હવે પુતિનના પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર
ઝેલેન્સ્કી ભારતની મુલાકાત લેશે એવા અણસાર મળી રહ્યા છે. યુક્રેનના રાજદૂત ઓલેક્ઝેન્ડર પોલિસ્ચૂકે
આ અંગે સંકેત આપ્યો છે.
દિલ્હીના કુતુબ મીનારને યુક્રેનના રાષ્ટ્રધ્વજના રંગોથી ચળકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતમાં
યુક્રેનના રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુકે જણાવ્યું કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના
રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. બંને પક્ષો હાલ તેની તારીખ નક્કી
કરવાનું કામ કરી રહ્યા છે. ઝેલેન્સ્કીનું ભારત આગમન બંને દેશોના સંબંધો માટે મોટી ઉપલબ્ધિ બનશે.