રાજ્યમાં ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન, ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં
હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. પરંતુ સૌથી મોટો ફેરફાર રાત્રિના તાપમાનમાં જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જ્યારે બાકીના પ્રદેશોમાં
કોઈ મોટો ફેરફાર નોંધાયો ન હતો. આ ઘટાડાને કારણે, ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન
સામાન્ય કરતાં નીચું કે ઘણું નીચું રહ્યું હતું, જે સ્પષ્ટ સંકેત આપે છે કે ઠંડીની અસર હવે તીવ્ર બની રહી
છે.
સમગ્ર પ્રદેશમાં ઠંડીનો ચમકારો સ્પષ્ટપણે જોવા મળ્યો, જેમાં કચ્છના નલિયા, વડોદરા અને મહુવા 14
ડિગ્રી સેલ્સિયસના લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડા સ્થળો તરીકે નોંધાયા હતા. આ તાપમાન સામાન્ય
કરતાં ઘણું નીચું હોવાથી લોકોએ સવારના સમયે ઠંડીનો સખત અનુભવ કર્યો હતો. અન્ય મુખ્ય શહેરોમાં
પણ તાપમાનનો પારો નીચે ઉતર્યો હતો: રાજકોટમાં લઘુત્તમ તાપમાન 15 ડિ. સે. અને મહત્તમ 34 ડિ.
સે., જ્યારે અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને વડોદરામાં લઘુત્તમ તાપમાન અનુક્રમે 15 ડિ. સે., 15 ડિ.
સે., 15 ડિ. સે. અને 14 ડિ. સે. નોંધાયું હતું. દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહેવાથી રાજ્યમાં ડબલ
સિઝનનો અનુભવ થઈ રહ્યો છે, એટલે કે દિવસે ગરમી અને રાત્રે કડકડતી ઠંડી. ભાવનગરમાં પણ આજે
સાડા ત્રણ ડિગ્રીના જબ્બર ઘટાડા સાથે રાત્રિનું તાપમાન 16.1 ડિગ્રીએ પહોંચતા લોકોએ ઠંડીના
ચમકારાનો અનુભવ કર્યો હતો.
હવામાનની આગાહી મુજબ, હાલમાં અનુભવાઈ રહેલો ઠંડીનો માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ
પ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આનો અર્થ એ છે કે નલિયા,
વડોદરા અને મહુવા જેવા શહેરોમાં ઠંડીનો વર્તમાન અનુભવ આગામી સપ્તાહમાં પણ જળવાઈ રહેશે,
અને લોકોને ચોક્કસ ગરમ કપડાંની જરૂર પડી રહેવાની છે. આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારો
માટે આકાશ સ્વચ્છ રહેવાની અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. છેલ્લા
24 કલાકમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી સેલ્સિયસ હતું, એટલે કે આગાહીમાં માત્ર
થોડોક વધારો દર્શાવવામાં આવ્યો છે, જે સૂચવે છે કે ઠંડીની પકડ મજબૂત રહેશે.






