અરુણાચલ પ્રદેશની એક ભારતીય નાગરિક સાથે ચીનમાં આઘાતજનક ઘટના બની છે. પેમ વાંગ થૉંગડૉક નામની આ મહિલાએ ચીની ઇમિગ્રેશન અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે 21 નવેમ્બરના રોજ શાંઘાઈના પુડૉંગ એરપોર્ટ પર તેને 18 કલાક સુધી રોકી રાખવામાં આવી અને હેરાન કરવામાં આવી હતી. અધિકારીઓએ તેના ભારતીય પાસપોર્ટને માન્ય ગણવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. લંડનથી જાપાન જઈ રહેલી થૉંગડૉક માત્ર ત્રણ કલાકના ટ્રાન્ઝિટ સ્ટે માટે શાંઘાઈ પહોંચી હતી, ત્યારે અધિકારીઓએ દાવો કર્યો કે તેનો પાસપોર્ટ ‘અમાન્ય’ છે કારણ કે તેમાં દર્શાવેલું જન્મસ્થળ, ‘અરુણાચલ પ્રદેશ છે, જે ચીનનો હિસ્સો છે.’
આ ઘટના બાદ ભારતે ચીનને સખત ભાષામાં જોરદાર જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે ચીન ભ્રમમાં ન રહે, અરુણાચલ અમારું જ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાના તરત બાદ ભારતે બેઇજિંગ અને નવી દિલ્હીમાં ચીની પક્ષ સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો અને તેમને શિકાગો-મોન્ટ્રિયલ કન્વેન્શનની યાદ અપાવી.21 નવેમ્બરના રોજ થૉંગડૉક લંડનથી જાપાન જઈ રહી હતી અને 3 કલાકના લેઓવર માટે શાંઘાઈમાં ઉતરી હતી. તેણે ‘X’ પરની એક પોસ્ટમાં જણાવ્યું કે, ચીન ઇમિગ્રેશન અને ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ કૉર્પોરેશન લિમિટેડના દાવાઓને કારણે તેને 21 નવેમ્બરે શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાકથી વધુ સમય સુધી રોકી રાખવામાં આવી.અધિકારીઓએ તેના ભારતીય પાસપોર્ટને ‘અમાન્ય’ ગણાવ્યો, કારણ કે તેનું જન્મસ્થળ અરુણાચલ પ્રદેશ હતું, જેને તેઓએ ‘ચીની વિસ્તાર’ ગણાવ્યો. થૉંગડૉકના જણાવ્યા મુજબ, ચીની ઇમિગ્રેશન અધિકારીઓએ તેનો પાસપોર્ટ જપ્ત કર્યો અને તેની ભારતીય નાગરિકતા માનવાનો પણ ઇનકાર કરી દીધો. તેમી પાસે જાપાનીઝ વીઝા હોવા છતાં તેને આગળની ફ્લાઇટમાં ચઢતા રોકવામાં આવી હતી.






