મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025ના પ્રથમ તબક્કા માટે મતદાન આજે સવારે 8 વાગ્યાની મતદાન શરુ થઇ ગયું છે. રાજ્યની 246 મ્યુનિસિપલ કાઉન્સિલો અને 42 મ્યુનિસિપલ પંચાયતો પર ચૂંટણી યોજાઈ રહી છે. આજે મતદારો કુલ 6,859 મ્યુનિસિપલ સભ્યો અને 288 પ્રમુખોની ચૂંટણી માટે મત આપશે. મતગણતરી આવતી કાલે 3 ડિસેમ્બર, 2025 ના રોજ જાહેર કરવામાં આવશે.
મહાયુતીના ઘટક પક્ષો ભાજપ અને શિવ સેના (શિંદે જૂથ)એ સામસામે ઉમેદવારો ઉભા રાખ્યા છે, માટે આ મુકાબલો રસપ્રદ રહેશે. બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ એક બીજાની પાર્ટીની ટીકા કરી ચુક્યા છે. આ ચૂંટણીના પરિણામોની ઊંડી અસર રાજ્યના રાજકારણ પર થઇ શકે છે.
મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્શન કમિશન (SEC) ચૂંટણીના એક દિવસ પહેલા ગઈ કાલે 24 મ્યુનિસિપલ કાઉન્સિલ અને મ્યુનિસિપલ પંચાયતમાં ચૂંટણીઓને તાત્કાલિક સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
છેલ્લી ઘડીએ લીધેલા નિર્ણયને કારણે ભાજપ સહિત કેટલાક પક્ષોના નેતાઓ એ સોમવારે રાજ્ય ચૂંટણી પંચની આકરી ટીકા કરી હતી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરમાં SEC ની ટીકા કરતા આ પગલાને અસામાન્ય ગણાવ્યું. તેમણે કહ્યંં કે ચૂંટણી મુલતવી રાખવીએ સંપૂર્ણપણે ખોટું અને કાયદાની વિરુદ્ધ છે.
સાંજે રાજ્ય ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેને પત્ર લખીને આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી હતી.
વિપક્ષે પણ રાજ્ય ચૂંટણી પંચ પર મનમાની કરવાનો આરોપ પણ લગાવ્યો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાટે પૂછ્યું કે શાસક પક્ષોને ફાયદો કરાવવા માટે પંચે આ પગલું ભર્યું છે?
શિવસેના (UBT) ના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે ચૂંટણી મુલતવી રાખવાથી મૂંઝવણ ઊભી થશે અને ઉમેદવારો અને મતદારો બંને માટે ચૂંટણી પ્રક્રિયામાં તકલીફ પડશે.






