રશિયા અને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અંગે ચાલી રહેલ શાંતિ સમજૂતીની પ્રક્રિયા વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપિયન દેશોને ચેતવણી આપીને કહ્યું છે કે, જો યુરોપ ઇચ્છતું હોય તો રશિયા યુદ્ધ માટે તૈયાર છે.પુતિને આરોપ લગાવ્યો કે યુરોપિયન દેશોના નેતાઓ યુક્રેન યુદ્ધવિરામ માટે શાંતિ યોજનાને અંતિમ સ્વરૂપ આપવાના યુએસના પ્રયસોમાં વિઘ્ન પાડી રહ્યા છે. યુક્રેન યુદ્ધવિરામની યોજના અંગે ચર્ચા કરવા પુતિને મોસ્કોમાં યુએસ રાજદૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથે બેઠક કરી હતી, ત્યાર બાદ તેમણે આવું નિવેદન આપ્યું હતું.
પુતિને પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, અમે યુરોપ સાથે યુદ્ધ કરવા નથી ઇચ્છતા, પરંતુ જો યુરોપ ઇચ્છે છે અને તેઓ યુદ્ધ શરૂ કરે છે, તો અમે હાલ તૈયાર જ છીએ.પુતિને આરોપ લગાવ્યો કે યુરોપિયન સરકારો યુક્રેન યુદ્ધનું સમાધાન લાવવા યુએસ સરકારના પ્રયાસોમાં અવરોધ ઊભો કરી રહ્યા છે. તેમણે કહ્યું, તેમની પાસે કોઈ શાંતિપૂર્ણ એજન્ડા નથી, તેઓ યુદ્ધના પક્ષમાં છે.નોંધનીય છે કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રજુ કરેલી યુક્રેન યુદ્ધવિરામ યોજનામાં યુરોપિયન દેશોએ ફેરફાર સૂચવ્યા હતાં. યુએસ એસએ 28-પોઇન્ટનો ડ્રાફ્ટ પ્લાન રજૂ કર્યો હતો, જેમાં યુક્રેન અને યુરોપિયન દેશોએ વાંધાઓ રજુ કર્યા હતાં, બાદમાં તેમાં સુધારા કરવામાં આવ્યા હતાં.
આ બાબતે પુતીને યુરોપિયન દેશોના વલણની ટીકા કરી હતી. પુતીને કહ્યું આ ફેરફારોનો હેતુ સમગ્ર શાંતિ પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવાનો હતો, યુરોપે એવી માંગણીઓ રજૂ કરી જે રશિયા માટે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.






