સુપ્રીમ કોર્ટે આપેલા એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચુકાદામા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તલાક લીધેલી મુસ્લિમ મહિલાને લગ્ન સમયે તે જે રોકડ, સોનું, દહેજ અને અન્ય ઘરેલુ સામાન પોતાની સાથે લાવી હોય તે બધું જ પાછું મેળવવાનો કાયદેસર અધિકાર છે.
જસ્ટિસ સંજય કરોલ અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે આ તમામ વસ્તુઓને મહિલાની વ્યક્તિગત મિલકત ગણાવી જોઈએ અને તલાક થયા બાદ તેના પૂર્વ પતિ દ્વારા તે પરત થવી જરૂરી છે. કોર્ટે જણાવ્યું કે મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 1986ની કલમ 3 હેઠળ આ જોગવાઈ છે, જે મહિલાને તેના સગા-સંબંધીઓ કે મિત્રો દ્વારા લગ્ન પહેલાં, લગ્ન દરમિયાન કે લગ્ન પછી આપવામાં આવેલી તમામ મિલકતો પર હકદાર બનાવે છે, જે મહિલા તલાક પછી તેને પાછું માગી શકે છે.કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કાયદાનું અર્થઘટન માત્ર સિવિલ વિવાદ તરીકે નહીં, પરંતુ બંધારણ દ્વારા આપવામાં આવેલી સમાનતા અને સ્વાયત્તતાના વચનને પૂર્ણ કરવાના હેતુથી થવું જોઈએ, જેથી તલાક પછી મહિલાને આર્થિક સ્વતંત્રતા મળી રહે. આ નિર્ણય ડેનિયલ લતીફી વિરુદ્ધ ભારત સંઘ (2001) કેસના અગાઉના ચુકાદાને પણ મજબૂત કરે છે.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણય એક મુસ્લિમ મહિલાની અરજી પર આપ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે તેના પૂર્વ પતિને છ સપ્તાહની અંદર ₹17,67,980ની રકમ મહિલાના બેન્ક ખાતામાં જમા કરવાનો સીધો આદેશ આપ્યો છે. આ રકમમાં મહેર, દહેજ, 30 તોલા સોનાના આભૂષણો અને રેફ્રિજરેટર, ટીવી, ફર્નિચર વગેરે સહિતના ઘરેલુ સામાનનું કુલ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે જો પૂર્વ પતિ નિર્ધારિત સમયમાં આ ચુકવણી ન કરે, તો તેણે 9% વાર્ષિક વ્યાજ પણ ચૂકવવું પડશે.






