ભારતીય સ્થાનિક ક્રિકેટમાં ફરી એકવાર મેચ ફિક્સિંગનું મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેના કારણે ક્રિકેટ જગતમાં શરમજનક સ્થિતિ સર્જાઈ છે. આસામ ક્રિકેટ એસોસિયેશનએ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના આરોપસર ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે.
આસામ ક્રિકેટ એસોસિયેશનના સચિવ સનાતન દાસે મીડિયાને આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓ, અમિત સિંહા, ઇશાન અહેમદ, અમન ત્રિપાઠી અને અભિષેક ઠાકુરી, ક્રિકેટમાં ભ્રષ્ટચારમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.આ મામલો ૨૦૨૫ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સાથે સંબંધિત છે. આ ચારેય ખેલાડીઓ પર આસામના કેટલાક ખેલાડીઓને મેચ ફિક્સ કરવા માટે પ્રભાવિત કરવાનો અને ઉશ્કેરવાનો આરોપ છે. જોકે, આ ચાર ખેલાડીઓ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે આસામ ટીમનો ભાગ નહોતા.
આ ગંભીર આરોપો બાદ તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી એકમે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. આસામ ક્રિકેટ એસો.ના સેક્રેટરી સનાતન દાસે માહિતી આપી કે આ ચારેય ખેલાડીઓ સામે ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.





