યુનાઇટેડ સ્ટેટ્સમાં હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવનાર જેફરી એપસ્ટીન સાથે જોડાયેલી ફાઈલ્સ આજે શુક્રવારે જાહેર કરવામાં આવશે, જેમાં યુએસ અને દુનિયાના સંખ્યાબંધ હાઈપ્રોફાઈલ વ્યક્તિઓના નામ સામે આવી શકે છે. એ પહેલા ગઈ કાલે ગુરુવારે કોંગ્રેસનલ ડેમોક્રેટ્સે જેફરી એપસ્ટેઇન રેકેટ સાથે જોડાયેલા કેટલાક ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે, જેમાં માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ, પોલીટીકલ ફિલોસોફર અને એક્ટિવિસ્ટ નોએમ ચોમ્સ્કી અને ટ્રમ્પના ભૂતપૂર્વ સહાયક સ્ટીવ બેનન જોવા મળે છે.અહેવાલ મુજબ ફોટોગ્રાફ્સમાં દેખાતી મહિલાઓ રશિયા, મોરોક્કો, ઇટાલી, ચેક રિપબ્લિક, દક્ષિણ આફ્રિકા, યુક્રેન અને લિથુઆનિયાની છે. આ સાથે મોબાઈલ ફોનના કેટલાક સ્ક્રીનશોટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મોડી રાતે થયેલી ચેટમાં “j” તરીકે ઓળખાતા કોઈ શખ્સ પાસે છોકરીઓ મોકલવાની ચર્ચા કરવામાં રહી છે.ડેમોક્રેટ્સ કમિટીના જણાવ્યા મુજબ ફોટોગ્રાફ્સમાં જોવા મળતા દ્રશ્યો આઘાત જનક છે. એક મહિલાનાની છાતી, પગ, ગરદન અને પીઠ પર કાળી શાહીથી “લોલિતા” નવલકથાના વાક્યો લખેલા છે. આ નવલકથા ૧૨ વર્ષની છોકરી પ્રત્યે એક પુખ્તવાયના પુરુષની કામવાસના પર અધારીત છે.
હાઉસ ઓવરસાઇટ કમિટીએ ૬૮ ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે, અહેવાલ મુજબ કમિટીને કુલ ૯૫,૦૦૦ ફોટોગ્રાફ્સ સોંપવામાં આવ્યા છે. હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ નેતાએ જણાવ્યું હતું કે એપસ્ટીનની કરતૂતો અને તેમની સાથે જોડાયેલા લોકોના નેટવર્ક અંગે વધુ પારદર્શિતાના હેતુથી આ ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે.
જાહેર કરવામાં આવેલા ફોટોગ્રાફ્સમાં સૌથું ચર્ચા માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સની થઇ રહી છે. કેટલાક ફોટોગ્રાફ્સમાં બિલ ગેટ્સ મહિલાઓ સાથે દેખાઈ રહ્યા છે. આજે સંપૂણ ડોક્યુમેન્ટ્સ જાહેર થતા બિલ ગેટ્સ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે.






