અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ભારતીય મૂળના કેબ ડ્રાઈવર દ્વારા યુવતી પર દુષ્કર્મ આચરવાની
હચમચાવતી ઘટના સામે આવી છે. 34 વર્ષીય સિમરનજીત સિંહ સેખોં નામના ડ્રાઈવરે નશાની
હાલતમાં બેભાન યુવતીની લાચારીનો ગેરલાભ ઉઠાવી આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. સ્થાનિક પોલીસે
આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલો અનુસાર, આ ઘટના મોડી રાત્રે બની હતી. આરોપી સિમરનજીત સિંહે રાત્રે આશરે 1:00 વાગ્યે
‘થાઉઝન્ડ ઓક્સ’ વિસ્તારના એક બારમાંથી 21 વર્ષની યુવતીને પિક કરી હતી. યુવતીએ કેમારિલો જવા
માટે કેબ બૂક કરાવી હતી. યુવતી ભારે નશામાં હોવાથી કેબમાં બેસતાની સાથે જ બેભાન જેવી
અવસ્થામાં સૂઈ ગઈ હતી. તે પોતાની જાતને સંભાળી શકે તેવી સ્થિતિમાં નહોતી.
જ્યારે કેબ નિર્ધારિત સ્થળ કેમારિલો પહોંચી, ત્યારે ડ્રાઈવરે ઓનલાઈન રાઈડ પૂર્ણ કરી દીધી હતી. જોકે,
તેણે યુવતીને ઘરે ઉતારવાને બદલે ગાડીમાં જ રાખી હતી અને આસપાસના રસ્તાઓ પર કેબ ફેરવતો
રહ્યો હતો. આ દરમિયાન તેણે બેભાન યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.



