ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ટિહરી હાઈડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશનની વિષ્ણુગાડ-પીપલકોટી જળવિદ્યુત પરિયોજનાની સુરંગની અંદર શ્રમિકો અને અધિકારીઓને લઈ જતી બે લૉકો ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 70 લોકો ઘાયલ થયા છે. આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી, જ્યારે શ્રમિકોની શિફ્ટ બદલાઈ રહી હતી. બંને ટ્રેનોમાં લગભગ 108 શ્રમિકો સવાર હતા.
પ્રાથમિક તપાસ મુજબ, કોઈ ટેકનિકલ ખામીને કારણે એક ટ્રેન પાછળથી બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. સુરંગના અંધારાવાળા ભાગમાં થયેલી આ ટક્કરને કારણે અંદર હાજર શ્રમિકો પોતાને સંભાળી શક્યા ન હતા અને ઘણા લોકો ટ્રેનની અંદર જ પડી ગયા. ટક્કર થતાની સાથે જ સુરંગની અંદર બૂમાબૂમ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો દ્વારા ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મોટાભાગના શ્રમિકોને સામાન્ય ઈજાઓ થઈ છે, જ્યારે કેટલાકને ગંભીર ઈજાઓને કારણે વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલમાં 42 ઘાયલ શ્રમિકોની સારવાર ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે 17 શ્રમિકોને પીપલકોટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માતની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ કુમાર અને પોલીસ અધિક્ષક સુરજીત સિંહ પંવાર ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘાયલોના હાલચાલ પૂછ્યા અને ડોક્ટરોને વધુ સારી સારવાર માટે નિર્દેશ આપ્યા હતા. જાણવા મળ્યું છે કે મોટાભાગના શ્રમિકો ઝારખંડ અને ઓડિશાના રહેવાસી છે અને તેમના પરિવારોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી રહી છે.






