પશ્ચિમ બંગાળના પરગણા જિલ્લાના બારાસાતમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતા
સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. આ બંને દર્દીઓ બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં મેલ અને
ફીમેલ નર્સ તરીકે ફરજ બજાવે છે. હાલ તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે અને તેમને
વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, આ બંને નર્સ ડિસેમ્બર મહિનામાં મિદનાપુર અને
બર્ધમાન સ્થિત પોતાના ઘરે ગયા હતા, જ્યાં તેઓ બીમાર પડ્યા હતા.
બંગાળના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તીએ આ મામલે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, બંને શંકાસ્પદ દર્દીઓ
એક જ હોસ્પિટલમાં કામ કરે છે અને હાલ ત્યાં જ સારવાર હેઠળ છે. વાયરસના ફેલાવાને રોકવા માટે
તંત્ર દ્વારા તાત્કાલિક ‘કોન્ટેક્ટ ટ્રેસિંગ’ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બંને વ્યક્તિઓના સેમ્પલ પુષ્ટિ માટે
પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(NIV) ખાતે મોકલવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારને પણ આ
અંગે જાણ કરવામાં આવી છે અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ અસરગ્રસ્ત જિલ્લાઓના મેડિકલ
ઓફિસરો સાથે તાકીદની બેઠકો યોજી છે.
નિપાહ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા(Fruit Bats) દ્વારા ફેલાય છે. જોકે, ચામાચીડિયામાંથી તે
ડુક્કર, પશુઓ કે મનુષ્યોમાં કેવી રીતે પ્રવેશે છે તે અંગે વૈજ્ઞાનિકો પાસે હજુ કોઈ ચોક્કસ તારણ નથી,
પરંતુ એવું માનવામાં આવે છે કે સંક્રમિત ચામાચીડિયાની લાળ કે પેશાબના સંપર્કમાં આવવાથી ચેપ
લાગી શકે છે. નિપાહ વાયરસમાં મૃત્યુદર 70% જેટલો ઊંચો હોવાથી તે અત્યંત જોખમી માનવામાં આવે
છે.






