વિશ્વના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડને લઈને ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમાવો જોવા મળી રહ્યો છે. વેનેઝુએલાના પેટ્રોલિયમ ભંડારો પર કબ્જો મેળવ્યા બાદ હવે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ડેનમાર્કના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડ પર છે. અમેરિકા ગ્રીનલેન્ડને પણ ધમકી આપી ચૂક્યું છે. જેને લઈને ગ્રીનલેન્ડે બીજા દેશોની મદદ માંગી છે. ત્યારે હવે છ દેશોની સેનાએ ગ્રીનલેન્ડ પહોંચવાની તૈયારી કરી છે.
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા માટે NATOના દેશો સક્રિય થયા છે. ડેનમાર્કના આહ્વાનથી અત્યારસુધી NATOના છ દેશો પોતાની સેના અથવા સૈનિકોને ગ્રીનલેન્ડ મોકલી રહ્યા છે. આ દેશોમાં સ્વીડન, નોર્વે, જર્મની, ફ્રાંસ, નેધરલેન્ડ અને કેનેડાનો સમાવેશ થાય છે. જોકે, સેના મોકલવાની પહેલ સ્વીડને કરી હતી.
સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટર્સને જણાવ્યું હતું કે, અમારો દેશ ડેનમાર્તના અનુરોધને લઈને ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલી રહ્યો છે. જોકે, ડેનમાર્કના સૈન્ય અભ્યાસ ‘ઑપરેશન આર્કટિક એન્ડ્યોરેંસ’ માટે આવું કરવામાં આવી રહ્યું છે, એવું સૂત્રો જણાવી રહ્યા છે. સ્વીડન બાદ નોર્વેના રક્ષા પ્રધાન ટોરે સૈંડવિકે જણાવ્યું હતું કે, અમારેો દેશ બે સૈન્ય કર્મિઓને મોકલી રહ્યો છે. આર્કટિક ક્ષેત્રમાં જેનાથી ગ્રીનલેન્ડ અને તેની આસપાસનો વિસ્તાર પર સામેલ છે. સુરક્ષા મજબૂત કરવા માટેની રીતોને લઈને નાટો દેશો વાતચીત કરી રહ્યા છે.
રિકોનિસન્સ અભિયાન હેઠળ આજે જર્મની પણ પોતાના 13 સૈનિકો મોકલશે એવી માહિતી મળી રહી છે. રક્ષા પ્રધાનના જણાવ્યાનુસાર, ડેનમાર્કના અનુરોધ પર શરૂ કરવામાં આવેલું રિકોનિસન્સ અભિયાન ગુરુવારથી શનિવાર સુધી ચાલશે. જેનો હેતુ વિસ્તારની સુરભા મજબૂત કરવાનો છે અને સૈન્ય યોગદાનની જાણકારી મેળવવાનો છે.






