ગોંડલ-આટકોટ હાઈવે પર આજે વહેલી સવારે એક કાળજું કંપાવી દે તેવી ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર 8 ફૂટની ઊંચાઇથી પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક બાળક સહિત ત્રણ લોકોને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલાં જ તેઓ જીવતા ભુંજાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સાણથલી 108 એમ્બ્યુલન્સમાં વહેલી સવારે કોલ આવ્યો હતો. જે મુજબ, એક હ્યુન્ડાઈ ‘ઓરા’ કાર પૂરઝડપે જઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર રોડ પરથી નીચે ઉતરી જઈ પુલ નીચે ઊંધી ખાબકી હતી. કાર ઊંધી પડતા જ તેમાં શોર્ટ સર્કિટ અથવા ઈંધણ લીકેજને કારણે ભયાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે અંદર સવાર મુસાફરોને બારણું ખોલવાની પણ તક મળી ન હતી. વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માત પાછળ અનેક કારણોની ચર્ચા થઈ રહી છે. વહેલી સવારે હાઈવે પર છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોઈ શકે છે. ચાલકને ઊંઘનું ઝોકું આવી જતાં કાર પુલ નીચે ઉતરી ગઈ હોવાની પણ શક્યતા છે.
હાલમાં પોલીસે અકસ્માત સ્થળે પંચનામું કરી મૃતકોની ઓળખ વિધિ માટેની પ્રક્રિયા હાથ ધરી છે. કારના નંબર અને એન્જિન નંબરના આધારે માલિકની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટનાને પગલે ગોંડલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
