મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાયલ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે, પરિણામે દુનિયાભરની અર્થવ્યવસ્થામાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ છે. મળતી માહિતી અનુસાર ક્રૂડ ઓઈલ સહિત અન્ય સામગ્રી લઈ આવનારા લગભગ 150થી વધુ ટેન્કર અત્યારે ખાડીમાં ઊભા રાખવામાં આવ્યા છે. ઈરાન દ્વારા હોર્મુજની ખાડીને બંધ કરવા અથવા ત્યાંથી કમર્શિયલ જહાજોને રોકતા વૈશ્વિક ગેસ સપ્લાય પર ગંભીર અસર પડી શકે છે. દુનિયાભરમાં લગભગ 20 ટકા એલએનજી દરિયાઈ રસ્તેથી પસાર થાય છે, તેથી ખાડીમાં થનારી સામાન્ય અસર પર દુનિયાની ઊંઘ હરામ કરી શકે છે.
સમગ્ર સંકટના કેન્દ્રમાં કતાર છે, જે ઈરાનના પડોશી હોવાની સાથે સાથે દુનિયાના સૌથી મોટા ગેસ નિકાસકર્તા દેશ છે. કતારની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તેની ગેસ નિકાસ લગભગ પૂરો હોર્મુજની ખાડીમાંથી પસાર થઈને દુનિયાના અલગ અલગ દેશ સુધી પહોંચી છે, તેથી સંકટ વધુ છે. ભારત પણ પોતાની કુલ ગેસની જરુરિયાત 40 ટકા એકલા કતારથી ખરીદી રહ્યું છે.
ગયા વર્ષે કતારે કુલ 82.2 મિલ્યન ટન ગેસની નિકાસ કરી હતી, જેમાં 20 ટકા સીધા એશિયાઈ દેશે ખરીદી હતી. ઉપલ્બધ આંકડા અનુસાર ચીન 20 મિલ્યન ટનથી સૌથી વધુ ખરીદી કરે છે, જ્યારે બીજા ક્રમે ભારતનો નંબર આવે છે. 12 મિલ્યન ટનની સાથે ભારત પછી આઠ મિલ્યન ટન સાથે તાઈવન, પાકિસ્તાન-દક્ષિણ કોરિયા (સાત-સાત મિલ્યન ટન) પણ કતાર પર નિર્ભર છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાર વર્ષ પહેલા થયેલા યુદ્ધ વખતે ઈન્ટરનેશનલ ગેસ વેપારમાં ઉથલપાથલ સર્જાઈ હતી. રશિયા દુનિયાનું સૌથી મોટું ગેસ સપ્લાયર છે અને એ વખતે યુરોપમાં ગેસનું સંકટ ઊભું થયું હતું. આ વખતનું સંકટનું કેન્દ્ર યુરોપ નહીં, પરંતુ એશિયા છે. ચીન જેવા દેશ પણ વિકલ્પ પર નજર કરી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે વર્તમાન તબક્કે એશિયાઈ દેશો માટે નવો વિકલ્પ શોધવાનું મુશ્કેલ છે.
સ્ટોકમાર્કેટથી લઈને ટ્રેડ પર અસર થવાની અટકળો વધુ બળવત્તર બની છે. શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર ગેસ લઈ જનારા 11 એલએનજી ટેન્કરને વચ્ચે જ રોકી દેવામાં આવ્યા છે. કતારની સાથે સાથે યુએઈ પણ દરિયાઈ માર્ગે ગેસની નિકાસ કરે છે. એવું કહેવાય છે કે સત્તાવાર રીતે કતાર એનર્જીએ કોઈ શિપમેન્ટને રોક્યા નથી, પરંતુ માહોલ અનિશ્ચિત છે. કતાર સિવાય તુર્કીયેમાં મુશ્કેલી વધી છે. તુર્કી પોતાના કુલ ગેસ સપ્લાયના લગભગ પંદર ટકા હિસ્સો સીધા ઈરાનથી પાઈપલાઈન મારફત આયાત કરે છે. જોકે, ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલરને પાર કરે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. જો સંઘર્ષ લાંબો ચાલ્યો તો તુર્કીનું ઊર્જા સંકટ વધુ વકરશે. જો શિપિંગમાં પણ મુશ્કેલી વધી તો ભારત, જાપાન અને અન્ય એશિયાઈ દેશોમાં ગેસની કિંમતમાં વધારો થઈ શકે છે, જ્યારે તેની સીધી અસર આમ જનતાની કમર પર ભાર પડશે.





