કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવમાં ક્ષેત્રના નાયકો, સ્વતંત્રતા સેનાનીઓ, ઐતિહાસિક ઘટનાઓ અથવા વિસ્તારના સ્મારકો અથવા તેમની વિશિષ્ટ ભૌગોલિક ઓળખના આધારે દિલ્હી સહિત તમામ એઇમ્સને વિશિષ્ટ નામ આપવાની યોજના બનાવવામાં આવી છે.
સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ મામલે ખુબ જ સક્રિય છે. મંત્રાલયે 23 અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એઇમ્સ)થી નામોના સૂચનો માંગવામાં આવ્યા હતા. જ્યારબાદ વધુ પડતા એઇમ્સ સંસ્થાનોના નામોની એક યાદી જમા કરી દીધી છે. એક અધિકારીએ જણાવ્યું કે, દેશમાં એઇમ્સ પોતાના સામાન્ય નામથી ઓળખાય છે. આ સંસ્થાનોને માત્ર તેમની જગ્યાથી ઓખળવામાં આવ છે, જેમ કે દિલ્હી એઇમ્સ. એટલા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ 23 એઇમ્સને ચોક્કસ નામ આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેમાં તમામ રીતે હાલની, આંશિક રીતે શરૂ અથવા નિર્માણ પામતી એઇમ્સ સામેલ છે.
તેમણે જણાવ્યું કે, તેના માટે અલગ અલગ એઇમ્સ સંસ્થાનો પાસેથી વિશિષ્ટ નામ માટે સૂચનો માંગ્યા હતા. સંસ્થાનોને કહેવામાં આવ્યું હતું કે, નામ મુખ્યરીતે સ્થાનિક અથવા વિસ્તારના નાયક, સ્વાતંત્રતા સેનાનીઓ, તે વિસ્તારના જાણિતા સ્મારકો કે ઘટનાઓ સંબંધિત રાખવામાં આવે. આ મુખ્ય સ્વાસ્થ્ય સંસ્થાનોમાં વધુ પડતા ત્રણ ચાર નામોના સૂચન કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છ નવી એઇમ્સ બિહાર(પટના), છત્તીસગઢ(રાયપુર), મધ્યપ્રદેશ(ભોપાલ), ઓડિસા(ભુવનેશ્વર), રાજસ્થાન(જોધપુર) અને ઉત્તરાખંડ(ઋષિકેશ)ને પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાના પ્રથમ તબક્કામાં મંજૂરી આપવામાં આવી હતી અને આ સમગ્ર રીતે ચાલુ છે. ત્યારે, 2015 અને 2022 વચ્ચે સ્થાપિત 16 એઇમ્સમાંથી 10 સંસ્થાનોમાં એમબીબીએસ અને આઉટ પેશન્ટ વિભાગની સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય 2 માત્ર એમબીબીએસ કક્ષાએ શરૂ કરવામાં આવી છે. બાકીને ચાર એઇમ્સમાં વિકાસકાર્ય શરૂ છે.