ઈરાનની ધરતી પર અમેરિકાના F-15E ફાઈટર જેટના ક્રેશ થવાની ઘટનાએ મિડલ ઈસ્ટના જંગમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટના બાદ અમેરિકન પાઈલોટને બચાવવા માટે 48 કલાક સુધી ચાલેલા હાઈ-ડ્રામા રેસ્ક્યૂ ઓપરેશને યુદ્ધની ગંભીરતાને નવી સપાટી પર લાવી દીધી છે. અમેરિકન સેનાએ પાઈલોટને સુરક્ષિત રીતે બચાવી તો લીધો છે, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ અમેરિકા માટે ચાર મોટા પડકારો અને સંદેશા છોડી ગયો છે.
સૌથી પહેલો અને મહત્ત્વનો સંદેશ એ છે કે ઈરાન હજુ હાર્યું નથી. ભલે અમેરિકન પ્રમુખ આ રેસ્ક્યૂ ઓપરેશનને પોતાની સેનાની મોટી જીત ગણાવી રહ્યા હોય, પણ 48 કલાક સુધી ચાલેલી આ મથામણ એ વાતની સાબિતી છે કે ઈરાન હજુ પણ વળતો પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. ગ્રાઉન્ડ ઓપરેશનનું જોખમ
બીજો સંદેશ વ્હાઇટ હાઉસ માટે એક ગંભીર ચેતવણી સમાન છે. ઈરાનના ખાર્ગ દ્વીપ પર કબજો કરવા કે જમીનની અંદર રહેલા યુરેનિયમનો જથ્થો હસ્તગત કરવા માટે જો અમેરિકા ગ્રાઉન્ડ ઓપરેશનનો વિચાર કરતું હોય, તો તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. પાઈલોટને બચાવવા ગયેલા બે એરક્રાફ્ટ ઈરાનમાં ફસાઈ જતાં તેને પોતે જ નષ્ટ કરવા પડ્યા હતા, જે દર્શાવે છે કે જમીની સ્તરે લડાઈ અમેરિકા માટે સરળ નહીં હોય.
ઈરાન અત્યારે અમેરિકા અને ઈઝરાયલ સામે નબળું પડી રહ્યું હોય એવું લાગે છે. આ જ કારણ છે કે યુદ્ધ શરૂ થયાના પાંચ અઠવાડિયા પછી પણ જો અમેરિકાનું એકાદું વિમાન તોડી પાડવામાં આવે, તો એ અમેરિકા માટે તરત જ બહુ મોટી વાત બની જાય છે. આવી ઘટનાઓ બહુ ઓછી બનતી હોય છે અને લોકો તેને લાંબા સમય સુધી યાદ રાખતા હોય છે. છેલ્લે 2003માં ઈરાક યુદ્ધ વખતે દુશ્મન દળોએ કોઈ અમેરિકન ફાઈટર જેટ તોડી પાડ્યું હતું. અહીં ઈરાન એવું નેરેટિવ સેટ કરી રહ્યું છે કે અમારી તાકાત કોઈનાથી ઓછી નથી.
ચોથો સંદેશ એ છે કે અમેરિકા અને ઈઝરાયલની હવાઈ તાકાત અજેય નથી. ભલે ઈઝરાયલ અને અમેરિકા રોજ ઈરાન પર સેંકડો વખત બોમ્બમારો કરી રહ્યા હોય, પરંતુ F-15E જેવા શક્તિશાળી વિમાનનું તોડી પડવું એ સંકેત આપે છે કે ઈરાની સંરક્ષણ વ્યૂહનીતિ હજુ પણ મજબૂત છે.

