પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક યુગનો અંત આવી રહ્યો છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય
જનતા પાર્ટીએ 207 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવીને મમતા બેનરજીના 15 વર્ષના શાસનનો અંત
આણી દીધો છે. આ હારની સાથે જ મમતા બેનરજીનું તે ‘કોર ગ્રુપ’ પણ વિખેરાઈ રહ્યું છે, જેણે છેલ્લા એક
દાયકાથી પડદા પાછળ રહીને રાજ્યની સત્તા સંભાળી હતી. મુખ્યમંત્રીના સૌથી ભરોસાપાત્ર ગણાતા
સનદી અધિકારીઓ, અર્થશાસ્ત્રીઓ અને કાયદાકીય સલાહકારોએ સામૂહિક રીતે રાજીનામા આપવાનું શરૂ
કરી દીધું છે.
મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ સાથી અને પૂર્વ મુખ્ય સચિવ અલાપન બંદ્યોપાધ્યાયે મંગળવારે (5 મે
2026) પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ સમાચાર અત્યંત ચોંકાવનારા છે, કારણ કે વર્ષ
2021માં જ્યારે કેન્દ્ર સરકાર સાથે વિવાદ થયો હતો, ત્યારે મમતા બેનરજીએ અલાપનને બચાવવા માટે
વડાપ્રધાન સામે પણ બાથ ભીડી હતી. અલાપન બંદ્યોપાધ્યાયની સાથે અન્ય એક પૂર્વ મુખ્ય સચિવ
એચ.કે. દ્વિવેદીએ પણ પોતાનું પદ છોડ્યું છે. આ બંને અનુભવી અધિકારીઓ મમતા બેનરજીની
સરકારના વહીવટીતંત્રમાં સૌથી મહત્ત્વના ગણાતા હતા અને તેમને મુખ્યમંત્રીની ‘આંખ અને કાન’
સમાન માનવામાં આવતા હતા.
પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમ (WBIDC)ના અધ્યક્ષ અભિરૂપ
સરકારે પણ નૈતિકતાનું કારણ આપી રાજીનામું સોંપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મુખ્યમંત્રી ચૂંટણી હારી
ગયા હોવાથી તેમને આ પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. બીજી તરફ, કાયદાકીય મોરચે સરકારના
સૌથી મોટા હથિયાર ગણાતા એડવોકેટ જનરલ કિશોર દત્તાએ પણ રાજભવન જઈને પોતાનું રાજીનામું
આપી દીધું છે. મમતા સરકારને કોર્ટના કેસોમાં બચાવવાની જવાબદારી કિશોર દત્તાના ખભા પર હતી.


