બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન થયું છે. તેઓ 96 વર્ષના હતા. રોયલ ફેમેલીના ટ્વિટર પર તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પહેલા સમાચાર આવ્યા હતા કે મહારાણીની તબીયત ખરાબ છે. તેમને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી હતી. પછી થોડીવાર બાદ મૃત્યુની સત્તાવાર જાહેરાત થઈ હતી.
મહારાણી એલિઝાબેથે સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં અંતિમ શ્વાસ લીધા છે. આ દરમિયાન મહારાણીના મોટા પુત્ર રાજકુમાર ચાર્લ્સ સહિત રાજ પરિવારના ઘણા સભ્યો ત્યાં હાજર હતા. બે દિવસ પહેલા મહારાણી એલિઝાબેથની તસવીર સામે આવી હતી, જ્યારે લિઝ ટ્રસને તેમણે બ્રિટનના નવા પ્રધાનમંત્રી નિયુક્ત કર્યા હતા.