મોરબી,
મોરબી-હળવદ હાઈવે પર ચરાડવા ગામની સીમમાં રાત્રિના સમયે એક કંપારી છૂટી જાય તેવો ગોઝારો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. એક ફેક્ટરીમાંથી બહાર નીકળીને રોડ ક્રોસ કરી રહેલા ભારેભરખમ ડમ્પર સાથે પૂરપાટ ઝડપે આવી રહેલી કિયા કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તે ડમ્પરની નીચેના ભાગમાં લોખંડના કબાડની જેમ ફસાઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં કારમાં સવાર 7 પૈકી 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 2 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના માનસર ગામ પાસે એક બાઈક સ્લીપ થઈ ગયું હતું, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રણછોડગઢ ગામના કેટલાક યુવાનો પોતાની કારમાં તેને લઈને હોસ્પિટલ તરફ દોડી રહ્યા હતા. રાત્રિના આશરે 9:30 વાગ્યાની આસપાસ તેમની કાર ચરાડવા ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપની સામે પહોંચી, ત્યારે જ એક કારખાનામાંથી નીકળેલા ડમ્પરે અચાનક વળાંક લીધો હતો. હોસ્પિટલ પહોંચવાની ઉતાવળમાં રહેલી કારના ચાલકે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હોવા છતાં કાર સીધી ડમ્પરમાં ઘૂસી ગઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર તમામ મુસાફરો લોખંડના પતરાની વચ્ચે દબાઈ ગયા હતા. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. જેસીબી વડે કારના પતરાને ખેંચીને અંદર ફસાયેલા લોકોને માંડ-માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. કમનસીબે, 3 યુવાનોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય 2 વ્યક્તિઓના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. હાલમાં અન્ય 2 ઇજાગ્રસ્તો મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
આ ગંભીર અકસ્માતની જાણ થતાં જ હળવદ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને અકસ્માત અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. એક ઇજાગ્રસ્તની જિંદગી બચાવવા નીકળેલા રણછોડગઢ ગામના 5 સગા-સ્નેહી યુવાનોના મોતના પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે




