કાળીયાબીડ સ્થિત વશિષ્ઠ આશ્રમ ખાતે અધિક માસની વિદાય નિમિત્તે ઓમ નમઃ શિવાય મંત્રોચ્ચાર મહાયજ્ઞ અને ભવ્ય દીપમાળા સાથે એક અનેરો ત્રિવેણી સંગમ કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ ૧૨ વર્ષના સેવા યજ્ઞ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં તેમજ તેમના દીર્ધાયુ માટે આ ખાસ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાયજ્ઞમાં ભોપાભાઈ સાટીયાએ વિધિવત પૂજા-અર્ચના કરી હતી. ભાગવતાચાર્ય શૈલેષ કનાડાએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભવ્ય યજ્ઞ સંપન્ન કરાવી ઉપસ્થિત ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. સવારે ૯ કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમમાં સાંજે ૫ વાગ્યે શ્રીફળ હોમી પૂર્ણાહુતિ કરાઈ હતી. ત્યારબાદ સાંજે શિવજીની ભવ્ય દીપમાળા સાથે મહાદેવ અને શ્રી રામચંદ્રજીની આરતી કરવામાં આવી હતી. વશિષ્ઠ આશ્રમના મહંત પ્રેમદાસ બાપુના માર્ગદર્શન હેઠળ જે.પી. ભટ્ટના સફળ સંચાલનથી યોજાયેલા આ દિવ્ય અવસરમાં મોટી સંખ્યામાં ભાવિકોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.





