રાજ્યસભા સાંસદ ડૉ. અજીત ગોપછડે દ્વારા શરૂ કરાયેલ ‘MP LEAD ફેલોશિપ’ અંતર્ગત પસંદગી પામેલા ૪૦ યુવા ફેલોએ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા સાથે તેમના નવી દિલ્હી સ્થિત આવાસ પર ઔપચારિક સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન યુવાનોએ મહિલા નેતૃત્વ, જાહેર વિતરણ પ્રણાલી , પારદર્શી શાસન અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ વિઝન અંગે ચર્ચા કરી હતી.
કેન્દ્રીય રાજ્ય મંત્રીએ જણાવ્યું કે રાજકારણ એ માત્ર હોદ્દો મેળવવાનું નહીં, પરંતુ છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનું માધ્યમ છે. તેમણે આત્મનિર્ભરતા માટે ‘લખપતિ દીદી’ અને સ્વસહાય જૂથોનો ઉલ્લેખ કર્યો હતો. આપત્તિ વ્યવસ્થાપન અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે ચોમાસામાં દુર્ગમ વિસ્તારોમાં ત્રણ મહિનાનું એડવાન્સ રાશન પહોંચાડવામાં આવે છે. PDS પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે e-POS મશીન, ‘વન નેશન વન રાશન કાર્ડ’, ‘આશા પોર્ટલ’ અને ‘મેરા રાશન’ એપ જેવા ડિજિટલ સુધારાઓ અમલી કરાયા છે. અંતમાં તેમણે યુવાનોને પ્રામાણિકતા, સમય વ્યવસ્થાપન અને જનસેવાની ભાવના કેળવવા આહ્વાન કર્યું હતું.



