આઝાદીકાળના ઇતિહાસમાં જ્યારે કોઈ સ્વૈચ્છિક સંસ્થાના વિચારને સરકારી તંત્ર એક જન-આંદોલનની જેમ ઉપાડી લે, ત્યારે ઇતિહાસ સર્જાય છે. આવી જ એક અભૂતપૂર્વ અને હૃદયસ્પર્શી ઘટનાના સાક્ષી આજે બોટાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં ઉપસ્થિત સૌ કોઈ બન્યા હતા.
વિકલાંગ અને દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પાથરવાના ઉમદા આશય સાથે શરૂ થયેલી ‘સંવેદના સોસાયટી’નો વ્યાપ વધારવા માટે બોટાદના કલેકટર હર્ષદ વોરા, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા તથા ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં એક ઉચ્ચ સ્તરીય સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ જીલ્લાના તમામ અધિકારીઓની હાજરીમાં ‘સંવેદના સોસાયટી’નો હેતુ અને આગામી સમયમાં યોજાનાર ‘સંવેદના પર્વ’ની સવિસ્તૃત વિગતો આપી હતી.
આ ભગીરથ કાર્યની શરૂઆત અગાઉ તારીખ ૨૦/૧૨/૨૦૨૫ના રોજ ભાવનગર કલેકટર કચેરી ખાતે મળી સંકલન બેઠકમાં થઈ હતી. જ્યાં શ્રી લાભુભાઈ સોનાણીએ રજૂ કરેલા આ નૂતન મુસદ્દાને તત્કાલીન કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ અને અધિકારીઓએ હર્ષનાદ સાથે વધાવી લીધો હતો.
ડી.ઈ.ઓ., ડી.પી.ઈ.ઓ. અને યુનિવર્સિટીના રજિસ્ટ્રારની ત્વરિત કામગીરીના પરિણામે આજે ભાવનગરની ૧૬૦૦ જેટલી શાળા-કોલેજો આ અભિયાન સાથે જોડાઈ ચૂકી છે. આ જ ગતિને આગળ ધપાવવા માટે આજે બોટાદની ૨૦૦ નવી શાળા-કોલેજોને પણ આ ઓનલાઈન પોર્ટલ અને માળખાકીય ફોરમ સાથે જોડવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા આયોજિત દિવ્યાંગ સાધન સહાય કાર્યક્રમમાં રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ભગીરથ વિચારને રાજ્યવ્યાપી બનાવવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે.
શિક્ષણ અને પુનઃસ્થાપન: દિવ્યાંગ બાળકોને ઘરઆંગણે જ શિક્ષણ, વિશિષ્ટ તાલીમ અને સન્માનજનક પુનઃસ્થાપન પૂરું પાડવું.,સામાજિક રક્ષણ: પારિવારિક તેમજ સામાજિક મુશ્કેલીઓમાં ન્યાયિક અને લાગણીસભર મદદ પૂરી પાડવી, સરકારી યોજનાઓનો લાભ: સરકારની તમામ મળવાપાત્ર સવલતો અને સહાય દિવ્યાંગો સુધી સરળતાથી પહોંચાડવી, શોધ અને સર્વેક્ષણ: શિક્ષણથી વંચિત રહી ગયેલા વિશેષ બાળકોનો સર્વે કરી તેમને શાળા સુધી લાવવા, શૈક્ષણિક સવલતો: અભ્યાસ કરતા વિકલાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે લહિયા (Scribes) કે અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી.
જનજાગૃતિ: નેશનલ ફ્લેગ-ડેની ઉજવણી દ્વારા ફંડ એકત્રીકરણ અને સમાજમાં દિવ્યાંગો પ્રત્યે સંવેદનશીલતા જગાવવી.
વિદ્યાર્થીઓમાં કરુણા અને ભાગીદારીની ભાવના ખીલે તે માટે ૧૫ માર્ચ ૨૦૨૬થી ૧૫ માર્ચ ૨૦૨૭ સુધી સમગ્ર વર્ષ દરમિયાન ‘સંવેદના પર્વ’ની ઉજવણી થઈ રહી છે. શાળા-કોલેજ કક્ષાએ ચાર મુખ્ય સ્પર્ધાઓ યોજાશે જેમાં નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્રીય અભિનય અને ચિત્ર સ્પર્ધાનો સમાવેશ થશે
સ્પર્ધા શાળા કક્ષાએ ૩૧ જુલાઈ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરી વિજેતા (૧ થી ૩ ક્રમ) નક્કી કરવાના રહેશે, જેઓ તાલુકા કક્ષાએ જશે., તાલુકા કક્ષાએ ૩૧ ડિસેમ્બર સુધીમાં તાલુકા કક્ષાની સ્પર્ધાઓ પૂર્ણ થશે, જેમાં વિજેતા થનાર જિલ્લા કક્ષાએ પહોંચશે.જિલ્લા કક્ષાએ ૨૮ ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ પૂર્ણ કરવામાં આવશે.ત્યારબાદ મહા-સંમેલન અને પુરસ્કાર વિતરણ: ૧૫ માર્ચ ૨૦૨૭ના રોજ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, ભાવનગર ખાતે મુખ્ય સમારોહ યોજાશે, જેમાં વિજેતાઓને રૂ. ૨૫ લાખથી વધુના ભવ્ય પુરસ્કારો એનાયત કરવામાં આવશે.



