ભાવનગર શહેરમાં અશાંત ધારાનો સરેઆમ ભંગ થતો હોવાની અને ચોક્કસ વિસ્તારોમાં સ્થાનિકોને અસામાજિક તત્વો દ્વારા હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદો સાથે હિન્દુ સંગઠનો અને સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગીતા ચોક અને કૃષ્ણનગર વિસ્તારની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ટાઉનહોલથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સ્થાનિક મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, જૈન અને બ્રાહ્મણ સમાજની વસ્તી ધરાવતા આ વિસ્તારોમાં ઘરોની આસપાસ જાણીજોઈને માંસના ટુકડા અને ઈંડાના છોતરાં નાખી માનસિક ત્રાસ આપવામાં આવે છે. ઘરમાં મહિલાઓ એકલી હોય ત્યારે અજાણ્યા શખ્સો આવી મકાન વેચવા દબાણ કરે છે. આ ઉપરાંત લાઉડસ્પીકરનો ઘોંઘાટ અને બેફામ વાહનચાલકોને કારણે અસલામતીનો માહોલ સર્જાયો છે.
પૂર્વ મેયર રીના શાહ અને પૂર્વ કોર્પોરેટર કિશોરભાઈ ભટ્ટે શહેરની બદલાતી ડેમોગ્રાફી સામે ચિંતા વ્યક્ત કરી અશાંત ધારાનો કડક અમલ કરવા, શંકાસ્પદ ફાઈલોની રી-તપાસ કરવા અને ગીતા ચોક-બોરડીગેટ વિસ્તારમાં નવી પોલીસ ચોકી સ્થાપી પેટ્રોલિંગ વધારવા માગ કરી હતી.






