શહેરના મફતનગર વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ, મનાભાઈના ચોકમાં ગઈકાલે તા. ૨૯ જૂનની રાત્રે ગાળો બોલવા જેવી નજીવી બાબતે બે પાડોશી જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ હિંસક ઘટનામાં બંને પક્ષે ગંભીર ઈજાઓ થતાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ખેડુતવાસ મ્યુનિસિપાલિટી ક્વાર્ટર્સ સામે મનાભાઈનો ચોક મફતનગર ખાતે રહેતા મહેશભાઈ બુધાભાઈ ગોહેલ ઉ.વ.૩૨ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, રાત્રે સાડા અગિયારેક વાગ્યે તેમના ઘર પાસે ગોપાલ ઉર્ફે ઢેચુ વાઘેલા અને તેના ભાઈઓ ગાળો બોલતા હતા. મહેશભાઈના પિતા બુધાભાઈએ તેમને ગાળો બોલવાની ના પાડતા, ઉશ્કેરાયેલા ગોપાલ, રોહિત, કાળો, જગદીશ, ચેતન, નિલેશ સહિતના શખ્સો એકસંપ થઈને તલવાર, લોખંડના પાઇપ, છરી અને ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા.અને હુમલો કર્યો હતો. આ હુમલામાં મહેશભાઈને ડોક અને વાંસાના ભાગે, જ્યારે તેમના પિતા બુધાભાઈ અને ભાઈ અલ્પેશને માથા અને અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સામા પક્ષની વળતી ફરિયાદઃ તલવાર, ફરસો અને પથ્થરમારોઃજયારે સામા પક્ષે ગોપાલ ઉર્ફે ઢેચુ કિશોરભાઈ વાઘેલા ઉ.વ.૩૦એ વળતી ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ, તેઓ અને તેમના ભાઈઓ ચોકમાં ઊભા હતા ત્યારે મહેશભાઈ ગોહેલ, કલ્પેશ, કિશોરભાઈ અને કરણભાઈ ત્યાં આવ્યા હતા અને ‘અમારા ઘર પાસે કેમ રાડો પાડો છો’ તેમ કહી ગાળો આપી હતી. ગોપાલે તેના મિત્રોને બોલાવતા સામા પક્ષે તલવાર, લોખંડના ફરસા અને પથ્થરોથી હુમલો કર્યો હતો. જેમાં મહેશે ગોપાલને માથામાં તલવારના ઘા માર્યા હતા, જ્યારે કલ્પેશે લોખંડના ફરસાથી ગોપાલ અને તેના મિત્ર ચેતનને ઈજાઓ પહોંચાડી હતી. અન્ય આરોપીઓએ ઈંટો અને પથ્થરમારો કર્યો હતો.આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. આ ધીંગાણા અને સામસામા પથ્થરમારામાં બંને પક્ષે ગંભીર રીતે ઘવાયેલા લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સરકારી હોસ્પિટલ (સર ટી.) ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે બી.એન.એસ. ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૧૨૫(ટ્ઠ), ૩૫૨, રાયોટિંગ (૧૮૯(૨), ૧૯૧(૨) વગેરે) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





