ભારત સરકારના પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા તાજેતરમાં ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૨૬’ જાહેર કરવામાં આવ્યા છે, જે સમગ્ર દેશમાં ગત ૧ એપ્રિલ ૨૦૨૬થી અમલી બન્યા છે. આ નવા નિયમો અંતર્ગત “બલ્ક વેસ્ટ જનરેટર (BWG)” ની સુધારેલી વ્યાખ્યા મુજબ, જે એકમ કે સંસ્થાનો ફ્લોર એરિયા ૨૦,૦૦૦ ચો.મી. કે વધુ હોય, દૈનિક પાણીનો વપરાશ ૪૦,૦૦૦ લિટર કે વધુ હોય અથવા દૈનિક ૧૦૦ કિ.ગ્રા. કે તેથી વધુ ઘન કચરો ઉત્પન્ન થતો હોય, તેનો સમાવેશ બલ્ક વેસ્ટ જનરેટરમાં થશે.
આ માપદંડો પૂર્ણ કરતા શહેરના એકમો અને સંસ્થાઓને તેમની કાયદાકીય ફરજો અને કરવાની થતી કામગીરીથી અવગત કરવા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં ઝવેરચંદ મેઘાણી મિનિ ઓડિટોરિયમ, સરદારનગર ખાતે એક ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી બલ્ક વેસ્ટ જનરેટરોને વિસ્તૃત માહિતી અપાઈ હતી. આ પ્રસંગે જાહેર આરોગ્ય કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર, સ્વચ્છાગ્રહીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે ઉક્ત માપદંડમાં આવતા તમામ એકમોએ ફરજિયાતપણે ભારત સરકારના CPCB પોર્ટલ ‘https://swm.cpcb.gov.in/register’ પર જાતે અથવા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના માધ્યમથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરાવવી.






