ગુજરાતના AAPના કાર્યાલય પર પોલીસ રેડ પાડવા મામલે ઇસુદાન ગઢવીએ ટ્વિટ કરીને દાવો કર્યો હતો. જોકે, આ મુદ્દે પોલીસે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘આવી કોઇ રેડ પાડવામાં નથી આવી.’
પોલીસનું કહેવું છે કે, આવી કોઇ રેડ પાડવામાં નથી આવી. ઇસુદાન ગઢવીએ ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે, ‘કેજરીવાલજીના અમદાવાદ પહોંચતા જ ગુજરાત પોલીસે આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર દરોડા પાડ્યા. બે કલાક સુધી શોધખોળ હાથ ધરી. કંઈ મળ્યું નહીં. કહ્યું કે ફરી આવીશું.’
જો કે આ રેડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘દિલ્હી બાદ હવે ગુજરાતમાં પોલીસ રેડ પડી છે. દિલ્હીમાં પણ કંઇ ના મળ્યું અને ગુજરાતમાં પણ કંઇ નહીં મળે. અમે કટ્ટર દેશભક્ત લોકો છીએ.’
કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે, ‘ગુજરાતની જનતા તરફથી મળી રહેલા જંગી સમર્થનથી ભાજપ સંપૂર્ણ હચમચી ગયું છે. ગુજરાતમાં “આપ” ની તરફેણમાં વાવાઝોડું ફુંકાઈ રહ્યું છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવા લાગ્યા છે. દિલ્હીમાં કશું મળ્યું નહીં, ગુજરાતમાં પણ કંઇ ન મળ્યું. અમે કટ્ટર ઇમાનદાર અને દેશભક્ત લોકો છીએ.’