દિલ્હીના જંતર-મંતર પરથી સવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં દિલ્હી પોલીસે 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા પર્યાવરણ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને મંચ પરથી ઉઠાવી લીધા છે. આ દરમિયાન ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર દાવો કર્યો છે કે પોલીસ દ્વારા તેમને માર મારવામાં આવ્યો છે અને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસે પ્રદર્શનકારીઓને જંતર-મંતર વહેલી તકે ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપી દીધું છે. આ સાથે હવે સીજેપીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની પણ માગ કરી છે. બીજી બાજુ આંદોલન ચાલુ રાખવા માટે હવે ખુદ અભિજિત દીપકે અનશન પર બેસી ગયા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, માનનીય હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરીને સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે વાંગચુકના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ કરી શકાય તેમ નથી, કારણ કે એક દિવસ પહેલા જ ડોક્ટરોએ ચેતવણી આપી હતી કે લાંબા ઉપવાસના કારણે તેમના અંગો ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી શકે છે. હાલ સફદરજંગ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની ટીમ તૈનાત છે અને ટૂંક સમયમાં મેડિકલ બુલેટિન જાહેર થશે. હોસ્પિટલની બહાર રેપિડ એક્શન ફોર્સ (RAF) ગોઠવી દેવાઈ છે.હાલમાં જંતર-મંતર ખાતે ભારે તણાવની સ્થિતિ છે. આખા વિસ્તારમાં પોલીસ અને અર્ધસૈનિક દળો (પેરામિલિટ્રી ફોર્સ) ની ભારે તૈનાતી કરી દેવામાં આવી છે. સમગ્ર પ્રદર્શન સ્થળને 4 સ્તરના લોખંડી બેરિકેડિંગથી ઘેરી લેવામાં આવ્યું છે અને પોલીસ પ્રદર્શનકારીઓને સમજાવીને ધરણા સ્થળ ખાલી કરાવી રહી છે.






