ભાવનગર મંડળમાંથી પસાર થતી બે જોડી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરાઓમાં વધારો કરવાનો રેલવે પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા માટે લેવાયેલા આ નિર્ણયથી રાહત તો મળી છે, પરંતુ ટ્રેનો કાયમી કરવાના બદલે સ્પેશિયલ દરથી ચલાવવામાં આવતી હોવાથી યાત્રિકો પર વધારાનો આર્થિક બોજ યથાવત રહ્યો છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યા અનુસાર, ટ્રેન નં. ૦૯૨૦૮ ભાવનગર ટર્મિનસ–બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ હવે ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી અને વળતી ટ્રેન નં. ૦૯૨૦૭ બાન્દ્રા–ભાવનગર સ્પેશિયલ ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી દોડશે. આ જ રીતે, ટ્રેન નં. ૦૯૦૧૮ વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી અને ટ્રેન નં. ૦૯૦૧૭ બાન્દ્રા–વેરાવળ સ્પેશિયલ ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના જણાવ્યા મુજબ, તહેવારો અને રજાઓ દરમિયાન વધારાની ભીડના યોગ્ય સંચાલન માટે આ નિર્ણય લેવાયો છે. જોકે, લાંબા સમયથી આ ટ્રેનોને ટૂંકી મુદત માટે લંબાવી ‘સ્પેશિયલ ભાડાં’ હેઠળ ચલાવાતી હોવાથી લોકોમાં એવો અસંતોષ જોવા મળી રહ્યો છે કે વધુ ભાડું વસૂલવા જ આ ટ્રેનોને કાયમી કરવામાં આવતી નથી. સ્થાનિક નેતાગીરી આ મામલે યોગ્ય રજૂઆત કરે તો જ ભાવનગર અને સૌરાષ્ટ્રના મુસાફરોને આર્થિક બોજમાંથી કાયમી મુક્તિ મળી શકે તેમ છે.




