મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક નવો અને અત્યંત ખતરનાક વળાંક લઈ રહ્યું છે. અત્યાર સુધી ફારસની ખાડી સુધી સીમિત રહેલો આ સંઘર્ષ હવે ભૂમધ્ય સાગર અને ઈજિપ્તના મુખ્ય ઊર્જા કેન્દ્રો સુધી વિસ્તરી રહ્યો છે. બુધવારે ઈજિપ્તના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ડામિએટા પોર્ટ પર ઊભેલા એક અમેરિકન ગેસ ટેન્કર પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના પછી ત્યાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને વિકરાળ આગ ફાટી નીકળી હતી.
બ્રિટિશ મરીન સિક્યુરિટી ફર્મ ‘એમ્બ્રે’ અનુસાર, આ હુમલો અમેરિકન માલિકીના ‘એનર્જોસ વિન્ટર’ નામના ફ્લોટિંગ સ્ટોરેજ ટેન્કર પર થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આગ નજીકમાં જ ઊભેલા અન્ય LNG વાહક ‘ગેસલાગ સેલમ’ અને એક ટગબોટ સુધી ફેલાઈ ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને જહાજમાંથી તમામ નાવિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી.
નોંધનીય છે કે, ‘એનર્જોસ વિન્ટર’ એક સામાન્ય ટેન્કર નથી પરંતુ FSRU (ફ્લોટિંગ સ્ટોરેજ એન્ડ રિગેસિફિકેશન યુનિટ) છે, જેની LNG સંગ્રહ ક્ષમતા આશરે 1,38,250 ઘન મીટર છે. ઈજિપ્તના પેટ્રોલિયમ મંત્રાલયે આગ પર કાબૂ મેળવ્યાની પુષ્ટિ કરી છે પરંતુ ડ્રોન હુમલાના દાવા પર મૌન સેવ્યું છે.આ ઘટના બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ફરીથી કડક સૈન્ય કાર્યવાહી કરવાની ખુલ્લી ધમકી આપી છે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, “અમેરિકા ઈરાન પર ખૂબ જ જોરદાર પ્રહાર કરશે અને હવે ઈરાન પર હુમલો કરવાનો અમારો વારો છે. તેઓ જાણે છે કે આ આવી રહ્યું છે.” આ ઉપરાંત ટ્રમ્પે રશિયા પર પ્રસ્તાવિત પ્રતિબંધ વિધેયકમાં ઈરાન પર પણ ભારે ટેરિફ લાદવાની વકાલત કરી હતી,






