અમેરિકા -ઇરાન વચ્ચેના યુદ્ધનો વ્યાપ વધતો જાય છે. તેમા હુથીઓ તો જોડાયા જ છે. હવે સાઉદી અરેબિયા પણ જોડાયું છે. અમેરિકા અનેસાઉદીએ ઇરાકમાં ઇરાન સમર્થિત આતંકી જૂથ પર કરેલી એરસ્ટ્રાઇકમાંં ઇરાનના છ સલાહકાર સહિત ૨૦ના મોત થયા છે અને ૩૨થી વધુ ઇજા પામ્યા છે. આથી ઇરાને પણ પશ્ચિમ એશિયામાં અમેરિકાના લશ્કરી થાણા પર ફરીથી હુમલા શરૂ કરતાં યુદ્ધ વધુ ઘેરું થયું છે.
અમેરિકા અને સાઉદીના લડાકુ વિમાનોએ પૂર્વી ઇરાકમાં કેટલાય સ્થળો પર આતંકવાદીઓના લોજિસ્ટિક્સ અને શસ્ત્રોના ઠેકાણા પર હુમલા કર્યા. અમેરિકન કમાન્ડે જણાવ્યું હતું કે રિવોલ્યુશનરી ગાર્ડ અને તેના આતંકી સહયોગીઓના હુમલા બંધ કરવા પડશ, તો જ અમેરિકા લશ્કરી કાર્યવાહી નહી કરે.
સાઉદીના સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં ચેતવણી આપી છે કે સાઉદી અરેબિયા આ ક્ષેત્રમાં તણાવ વધારવા માંગતુ નથી, પરંતુ જો તેના પર હુમલો થાય છે તો તે તેનો જવાબ ચોક્કસ આપશે. અમેરિકા અને સાઉદીએ ઇરાકના સાત પ્રાંતમાં હુમલા કર્યા હતા, આ તનાવના પગલે ગુરુવારે જેદ્દાહમાં ઇરાકના વડાપ્રધાન અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચે યોજાનારી બેઠક રદ કરી દેવામાં આવી છે.
ઇરાકમાં પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સીસ (પીએમએફ) મુખ્યત્વે શિયા અને ઇરાન સમર્થિત સશસ્ત્ર જૂથોના સંગઠન છે. તે સત્તાવાર રીતે ઇરાકી લશ્કરના કમાન હેઠળ છે, પરંતુ સ્વતંત્ર રીતે વર્તે છે. પીએમએફમાં સામેલ જૂથોએ ૨૦૧૪મા ઇસ્લામિક સ્ટેટ સમૂહ દ્વારા ઇરાકના મોટા હિસ્સા પર કબ્જા પછી તેની સામેની લડાઈમાં ભાગ લીધો હતો.






