રાજ્યમાં સાર્વત્રિક અને ભારે વરસાદની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે મોડી રાત્રે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે રાજ્યભરમાં સર્જાયેલી વરસાદી સ્થિતિ અને રાહત-બચાવ કામગીરીનો સર્વગ્રાહી તાગ મેળવ્યો હતો.
શનિવારે રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પગલે ‘રેડ એલર્ટ’ની સંભાવના હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબંધિત તમામ જિલ્લા કલેક્ટરોને ઉચ્ચ સ્તરીય સતર્કતા દાખવવાની સૂચના આપી છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ, નવસારી અને સુરતમાં ૨-૨ આર્મીની કોલમ જરૂર જણાયે વહીવટી તંત્રની મદદ માટે તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જામનગર, જોધપુર, વડોદરા અને પુણે ખાતે એરફોર્સના હેલિકોપ્ટર પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
સમગ્ર વહીવટી તંત્રના આગવા અને સાવચેતીપૂર્ણ આયોજનના પરિણામે અત્યાર સુધીમાં ૧૬,૫૦૦થી વધુ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે પૂર કે પાણીમાં ફસાયેલા ૪૧ લોકોને રેસ્ક્યુ કરી ઉગારી લેવાયા છે. રાજ્યના ૨૦૧ તાલુકાઓમાં આજે નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેની સાથે સમગ્ર મોસમનો કુલ ૬૧.૫૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિ, GSDMAના CEO ધવલ પટેલ તથા રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વહીવટી સજ્જતાની વિગતો આપી હતી.






