પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો સંદેશ જારી કર્યો છે. આ વીડિયોમાં પીએમ મોદીએ જંતર-મંતર પર પ્રદર્શન દરમ્યાન બોલવામાં આવેલા અપશબ્દોને લઇને કહ્યું કે હું ગાળો બોલનારા બાળકોને માફ કરવા માગું છું. તેમણે કહ્યું , ‘હાય ફ્રેન્ડ્સ, આજે તો મન થાય છે કે તમારી સાથે જ વાત કરું. જંતર-મંતર પર જે કંઈ પણ થયું, તેને દેશ અને દુનિયાએ જોયું છે. કેટલાક તોફાની બાળકોએ મને ગંદી ગાળો આપી. કોઈપણ સભ્ય સમાજને શોભા ન આપે તેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. મને તો ગાળ આપવામાં જ આવી, પણ મારી સ્વર્ગસ્થ માતાને પણ ગાળ આપવામાં આવી. ન જાણે કેટલું ગંદુ સ્વરૂપ હતું, પણ હું આજે એ વાત કરવા માંગુ છું કે બાળપણમાં ભૂલો થાય છે અને બાળપણમાં ભૂલો સુધારવાની તક પણ મળે છે.’
પીએમ મોદીએ કહ્યું, ‘આના કારણે સમાજની અંદર જે આક્રોશ છે તેને હું સારી રીતે સમજી શકું છું. આ એક કલ્ચરલ શૉક છે કે આપણી દીકરીઓ આ પ્રકારની ભાષા કેવી રીતે બોલી શકે છે, પરંતુ આ સમય આ બાળકોને ભેટીને સાચો રસ્તો બતાવવાનો છે. આ ગેરમાર્ગે દોરાયેલા બાળકો છે. તેમને સાચો રસ્તો બતાવવો એ આપણું કામ છે. તેમને સજા અપાવવી, અદાલતોના ચક્કર કપાવવા, સમાજમાં તેમને પ્રતાડિત કરવાથી આપણે પરિસ્થિતિઓ બદલી શકીશું નહીં. હું તેમને માફ કરવા માંગુ છું.’
પીએમ મોદીએ કહ્યું, ‘સમાજ પણ મારી આ વાત સ્વીકારે કારણ કે મારા મનમાં એક જ ભાવ છે. ક્યારેક દાંત નીચે આપણી જીભ આવી જાય તો લોહી નીકળવા લાગે છે, પરંતુ આપણે દાંત તોડી નાખતા નથી કારણ કે દાંત પણ આપણા છે અને જીભ પણ આપણી છે. બાળકો પણ આપણા છે. તેમને સાચો રસ્તો બતાવવો એ આપણું કામ છે. ગેરમાર્ગે દોરાયેલાઓને સાચો રસ્તો બતાવવો મુશ્કેલ હોય છે, પરંતુ આ મુશ્કેલ કામ આપણે કરવાનું છે અને એટલા માટે હું આ બાળકોને કહું છું કે, બાળકો આવો આપણે દેશ માટે સાથે મળીને આગળ વધીએ. કંઈક નવું શીખીએ. ભૂલોમાંથી પણ શીખીએ. આપણા સપનાઓને લઈને આગળ વધી પડીએ.’ તેમણે કહ્યું, ‘દેશ ખૂબ આગળ વધી રહ્યો છે. આગળ વધવાનો છે અને તમારું પણ આગળ વધવું નિશ્ચિત થાય, એ જ મારું સ્વપ્ન છે. હું તમારા માટે જીવું છું. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ઘસાઈ રહ્યો છું. આવો, આપણે બધા મળીને દેશને આગળ વધારીએ. બસ આવો, ભૂલોમાંથી શીખો અને આગળ વધો.”






