ગુજરાતમાં આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના માથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત માટે બે દિવસો ભારે સાબિત થવાના છે. શુક્રવારે રાજ્યમાં ખાબકેલા ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો અન્ય 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ વચ્ચે બે દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં નવસારીમાં ભારે વરસાદ સમયે કરંટ લાગતા 3 લોકોના મોત થયાં હતા.જ્યારે આણંદમાં ખુલ્લી કાંસમાં 3 બાળકના તણાવાથી એક બાળકીનું મોત થયું અને બે બાળકોનો બચાવ થયો હતો.
બીજી તરફ, પૂર અને નદીઓ બે કાંઠે થતાં લોકોના ફસાવાની પણ ઘટના સામે આવી હતી, જેમાં છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિન નદીમાં ફસાયેલા યુવક અને તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી યુવકનું રેસ્ક્યૂ કરાયું હતું. સુરતમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતાં અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. હવામાન વિભાગે 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે (1 ઓગસ્ટ) અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભરૂચ, પાટણ, ગાંધીનગર સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જામનગર-જૂનાગઢ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે 10 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
-નવસારીમાં નદીઓમાં સતત ત્રીજી વાર પૂરનો કહેર
નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. પૂર્ણા નદીની સપાટી 28થી 29 ફૂટ સુધી પહોંચતાં ગધેવાન, કાલીયાવાડી, કાછિયાવાડી અને શાંતાદેવી રોડ સહિત નવસારી શહેરનો 30%થી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. મોસમી સિઝનમાં સતત ત્રીજી વાર પૂર આવવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, વેપાર-રોજગાર ઠપ થઈ ગયા છે અને સતત બંધ રહેતી શાળાઓને કારણે શિક્ષણકાર્ય ખોરવાતાં સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
-વડોદરા કલેક્ટરે સ્થળે પહોંચી દેવ ડેમની સ્થિતિ જાણી
વડોદરા જિલ્લા કલેક્ટર ડૉ.અનિલ ધામેલિયાએ મોડી રાત્રે દેવ ડેમની રૂબરૂ મુલાકાત લઈને ગેટ ઓપરેશન અને જળસપાટીની વિગતો મેળવી હતી. ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી રહી હોવાથી ભવિષ્યમાં કોઈ કપરી સ્થિતિ ન સર્જાય તે માટે તેમણે સ્થળ પર જ હાજર અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
-વડોદરા હોસ્ટેલમાં પાણી ભરાતાં 150 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાઈ જતાં મધ્યરાત્રિના 3 વાગ્યે ભારે દોડધામ મચી ગઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતાં વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમે ત્વરિત કામગીરી હાથ ધરીને હોસ્ટેલમાંથી કુલ 150 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા, જેમાં 100 છાત્રાઓ, 40 છાત્રો અને 10 શ્રમિકોનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં વરસાદી પાણી ભરાતાં ભારે હાલાકી
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં ચાંદલોડિયા રેલવે અંડરપાસ સંપૂર્ણપણે ગરકાવ થઈ જતાં વાહનચાલકોને લાંબા ફેરા ફરીને જવાની ફરજ પડી છે. વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ન ઓસરતાં અંડરપાસ નજીક આવેલા પ્રસિદ્ધ રુદ્રેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પણ પાણી ભરાયેલા રહેતાં સવારે દર્શનાર્થે પહોંચેલા ભક્તોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે.
-કડીમાં ઘરોમાં પાણી ઘૂસતાં લોકો આખીરાત જાગ્યા
હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે રાત્રે કડી પંથકમાં મેઘરાજાએ ફરી એકવાર રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રાત્રે 9થી 12 વાગ્યા સુધીના માત્ર 3 કલાકના ટૂંકા ગાળામાં જ 4 ઇંચ જેટલો ધમાકેદાર વરસાદ વરસી પડતાં સમગ્ર કડી શહેર જળબંબાકાર થઈ ગયું હતું. વીજળીના કડાકા-ભડાકા અને પવનના સુસવાટા સાથે પડેલા મુશળધાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયાં હતાં.
-ગુજરાતમાં આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 1 ઓગસ્ટના રોજ અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમરેલી, ભરૂચ, પાટણ, ગાંધીનગર સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
-પંચમહાલના દેવ ડેમના 6 દરવાજા 1.5 મીટર ખોલાયા
વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા હતા. અમદાવાદમાં પણ ‘રેડ એલર્ટ’ વચ્ચે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અમરેલીના રાયડી ડેમનો 1 દરવાજો 3 ઈંચ સુધી ખોલવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના દેવ ડેમના 6 દરવાજા 1.5 મીટર સુધી ખોલી દેવાયા હતા.






