સમગ્ર સમાજ અને વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં સુરતમાં છેલ્લા 24 કલાકમાં 13 વર્ષનો વિદ્યાર્થી અને 15 વર્ષની વિદ્યાર્થિનીએ જિંદગીનો અંત આણતાં અરેરાટી વ્યાપી ગઈ છે. વેડરોડ વિસ્તારમાં માતા-પિતાએ ફોન મૂકી સ્કૂલનું હોમવર્ક કરવાનું કહેતા ધો.7ના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પાસોદરામાં મગજની બીમારીથી પીડાતી ધો.11ની વિદ્યાર્થિનીએ ઝેરી પાઉડર ગટગટાવી લીધો હતો. બે-બે માસૂમ બાળકોના કરૂણ મોતથી પરિવારજનોની રડી-રડીને હાલત ખરાબ થઈ જાય છે,
આ અંગે મનોચિકિત્સકના જણાવ્યા અનુસાર એડોલેસન્ટના ડેટા મુજબ બાળકોમાં મોબાઈલના અતિશય વપરાશથી સુસાઇડ કેસો વધી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે. વધુ પડતો મોબાઈલ વાપરતા બાળકો-કિશોરોમાં કમ્પલસિવ ચેકિંગ, અનઝીનેસ, એન્ઝાઈટી અને ડિપ્રેશનના લક્ષણો જોવા મળે છે. જો તેમની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે તો રડવું, ધમપછાડા, તોડફોડ તેમજ પોતાને કે બીજાને નુકસાન પહોંચાડે છે. વાલીઓએ શરૂઆતથી જ બાળકો પર ધ્યાન આપવું. જો બાળકમાં મોબાઈલ એડિક્શન જણાય તો કડક વલણ અપનાવી તરત મોબાઈલ બંધ ન કરવો, પરંતુ ધીમે-ધીમે તેનો ટાઈમ સેટ કરીને ઉપયોગ ઓછો કરવો. બાળકો સાથે સતત વાતચીત કરવી, બહાર ફરવા લઈ જવા અને અન્ય લોકો સાથે પરિચય કેળવવો જોઈએ.






