ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી એક અત્યંત દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. યમુના એક્સપ્રેસવે પર દોડતી એક સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં ક્ષણભરમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ૯ મુસાફરોના મોત નીપજ્યા છે, જ્યારે કેટલાક મુસાફરોએ ચાલુ બસમાંથી નીચે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ બસમાં આશરે ૪૦થી ૫૦ જેટલા મુસાફરો સવાર હતા.
આ ભયાનક ઘટના યમુના એક્સપ્રેસવેના ઝીરો પોઇન્ટથી આશરે ૩૨ કિલોમીટર આગળ બની હતી, જે વિસ્તાર જેવર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. જોઇન્ટ સીપી રાજીવ નારાયણ મિશ્રાએ જણાવ્યું હતું કે, બસમાં આગ લાગતાં જ મુસાફરોમાં ભારે નાસભાગ મચી હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે બસમાંથી બહાર કૂદવા લાગ્યા હતા. જોતજોતામાં આગની જ્વાળાઓએ આખી બસને પોતાની ઝપેટમાં લીધી અને ૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ બસને સંપૂર્ણપણે ઠંડી કરવા માટે કુલડાઉન કરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા અધિકારીઓને આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ તંત્રને સૂચના આપી છે કે ઘાયલોને તાત્કાલિક યોગ્ય તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ સાથે જ તેમણે મૃતકોના પરિજનો સાથે વાતચીત કરી શક્ય તમામ સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે.





