ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાના ખુંટવડા ગામે પ્રેમસંબંધની અદાવત રાખીને ટ્રેક્ટર ચાલક યુવાન ઉપર બે શખ્સોએ ઘાતક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે બગદાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મહુવાના નાના ખુંટવડા ગામના ભોળાનાથના મંદિર પાસે રહેતા ૨૨ વર્ષીય હરેશભાઈ ખીમજીભાઈ મકવાણા ગઈકાલે સાંજના સમયે ધોળી ભેખ વિસ્તારમાં ટ્રેક્ટર લઈને મંડપનો સામાન ખાલી કરી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પ્રવીણભાઈ સામતભાઈ ગોહિલની વાડી પાસે પાણીના વોકળામાંથી ટ્રેક્ટર પસાર કરતી વેળાએ અગાઉ બહેન સાથેના પ્રેમસંબંધની દાઝ રાખી ગામના શક્તિભાઈ વિનુભાઈ ગોહિલે લોખંડના પાઈપ વડે અને તેના સગા ભાઈ વનરાજભાઈ વિનુભાઈ ગોહિલે કુહાડી વડે હરેશભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.
આ હુમલામાં હરેશભાઈના જમણા હાથ, આંગળીઓ અને જમણા પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું તેમજ માથાના ભાગે કુહાડીનો પ્રાણઘાતક ઘા મારી ૧૨ જેટલા ટાંકા આવ્યા હતા અને હેમરેજની અસર જણાઈ હતી. હુમલાખોરોએ ઇજાગ્રસ્ત યુવાનના ખિસ્સામાંથી મોબાઇલ ફોન અને ૫૦૦ રૂપિયા રોકડા પણ લૂંટી લીધા હતા. ઘટના અંગે ઇજાગ્રસ્ત હરેશભાઈને મહુવા જનરલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મહુવા હનુમંત હોસ્પિટલના આઈ.સી.યુ.માં ખસેડવામાં આવ્યા છે. આ મામલે બગદાણા પોલીસ મથકે શક્તિભાઈ વિનુભાઈ ગોહિલ અને વનરાજભાઈ વિનુભાઈ ગોહિલ વિરુદ્ધ બી.એન.એસ કલમ ૧૦૯, ૩૦૯(૪), ૧૧૭(૨), ૧૧૫(૨), ૩૫૨, ૩(૫), ૬૧, ૫૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.





