જો તમે બેંક કે કોઈ ફાઇનાન્સ કંપની પાસેથી લોન લીધી હોય ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા લોન રિકવરીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે લોન વસૂલાતના નામે ગ્રાહકો સાથે ગેરવર્તણૂક કે માનસિક દબાણ ન કરવામાં આવે. આ નવા નિયમો આગામી ૧ જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે.
નવા નિયમો અનુસાર, રિકવરી એજન્ટો હવે કોઈપણ ગ્રાહકને ધમકાવી શકશે નહીં અને વારંવાર ફોન કે મેસેજ કરીને હેરાન પણ નહીં કરી શકે. સૌથી મહત્વની વાત એ છે કે, સવારે 8 વાગ્યા પહેલા અને સાંજ પછી રિકવરી કોલ કરવાની પણ મંજૂરી રહેશે નહીં. આ ઉપરાંત, એજન્ટો ગ્રાહકના પરિવારજનો કે મિત્રોને પણ પરેશાન કરી શકશે નહીં. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે રિકવરી એજન્ટો કોઈપણ ગ્રાહકનો ફોટો, વીડિયો કે વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા પર શેર કરીને તેને બદનામ કરી શકશે નહીં. ગ્રાહકની પ્રાઈવેસીનું સંપૂર્ણ ધ્યાન રાખવું ફરજિયાત રહેશે. જો તમે ઈએમઆઈ પર મોબાઈલ ખરીદ્યો હોય, તો બેંક અથવા ફાઇનાન્સ કંપની ફક્ત તે જ મોબાઈલને લોક કરી શકશે, જેના માટે લોન લેવામાં આવી છે. અન્ય કોઈ લોનની વસૂલાત માટે તમારો ફોન લોક કરી શકાશે નહીં. સાથે જ, ફોન લોક થયા બાદ પણ ઇનકમિંગ કોલ અને મેસેજ જેવી જરૂરી સુવિધાઓ બંધ કરી શકાશે નહીં.






