નીટને લઈને વિદ્યાર્થીઓના આંદોલન સામે જેમ કેન્દ્ર સરકાર ઝૂકી તે જ રીતે ઝારખંડમાં હેમંત સોરેન સરકાર પણ વિદ્યાર્થીઓના આંદોલન આગળ ઝૂકી હતી અને આઉટસોર્સિંગ એજન્સી ટીએસઆર ડેટા પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ (ટીડીપીએલ) દ્વારા કરાવવામાં આવેલી પરીક્ષાઓ, જારી કરાયેલા પરિણામ અને પસંદ થયેલા અરજદારો સાથે જોડાયેલી આખી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો છે.
હેમંત સોરેન સરકારના પરીક્ષા રદ કરવાના આ નિર્ણયમાં જેએસએસસી અને સીજીએલ પરીક્ષાનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું હતું કે ટીડીપીએલ દ્વારા ૨૦૧૪થી આયોજિત બધી જ પરીક્ષાઓ અને પ્રકાશિત પરિણામો રદ કરવામાં આવે છે .સરકારના આ નિર્ણય પછી ભરતી પરીક્ષાઓ સામે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે. કેબિનેટની ખાસ બેઠક પછી મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું હતું કે સરકારે સમગ્ર મામલાના બધા પાસાઓ પર વિચાર કર્યા પછી આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે આ વિવાદનો અંત લાવવા માટે અમે આ ખાસ બેઠક કરી હતી. આ વિશેષ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયના પગલે ટીડીપીએલના માધ્યમથી આયોજિત પરીક્ષાઓ, તેના પરિણામ અને પસંદગીની પ્રક્રિયા રોકાઈ ગઈ છે. સરકારના આ પગલાંન ભરતી પરીક્ષામાં પારદર્શકતાની માંગ કરતાં અરજદારોના આંદોલન માટે મહત્ત્વનો નિર્ણય માનવામાં આવે છે. હેમંત સોરોને કેબિનેટના અન્ય નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કેબિનેટે જેએસએસસી-સીજીએલને પણ રદ કરવાનો નિર્ણય લીધો. આ પરીક્ષાઓને લઈને અરજદારોમાં લાંબા સમયથી નારાજગી હતી. પરીક્ષા અને ભરતી પ્રક્રિયાને લઈને ઉઠી રહેલા સવાલો વચ્ચે સરકારના આ નિર્ણય પછી આંદોલન કરતાં અરજદાર વિદ્યાર્થીઓમાં આનંદ છવાઈ ગયો હતો. જેપીએસસી-જેએસએસસીના બધા અરજદાર ભાવુક દેખાયા. તેમણે આ નિર્ણયને તેમના આંદોલનનો વિજય ગણાવ્યો હતો. સીએમ હેમંત સોરોને સ્પષ્ટ કર્યુ હતું કે તપાસનું કાર્યક્ષેત્ર ફક્ત તાજેતરની પરીક્ષાઓ સુધી જ સીમિત નહીં હોય. તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪થી થયેલી બધી નાની મોટી ભૂલો અને અનિયમિતતાની તપાસ થશે. આના પગલે હવે જૂની ભરતી પ્રક્રિયા પણ તપાસના કાર્યક્ષેત્રનો વિષય બની શકે છે. સરકારનું કહેવું છે કે તપાસ દ્વારા તે શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે કે પરીક્ષાઓ અને નિમણૂક પ્રક્રિયામાં ક્યાં અને કયા સ્તરે ગરબડ થઈ. સરકારે આ સિવાય પરીક્ષા પ્રણાલિમાં સુધારો કરવા પરીક્ષા સુધાર સમિતિની રચનાનો પણ નિર્ણય લીધો છે.ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષાઓ અને નિમણૂકોમાં ગરબડની તપાસ, વિવાદાસ્પદ ભરતી પ્રક્રિયાઓ રદ કરવાની અને નવેસરથી નિષ્પક્ષ પ્રક્રિયા શરુ કરવાની માંગ કરતા હતા.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ રાંચીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લઈને સીએમ હેમંત સોરેનને ચિઠ્ઠી લખી છે. તેમણે સૂચન કર્યુ હતું કે તેઓ વ્યક્તિગત રીતે વિદ્યાર્થીઓને મળે, જેથી તેમની ચિંતાઓને ઉકેલવા માટે ઝારખંડ સરકારની પ્રતિબદ્ધતાને મજબૂત કરી શકાય.






